પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાઈ’શાબા, નથી આવડતું !
૮૫
 

ત્યાં તો આકાશમાં ચાંદો તરતો હતો. જમીન ઉપર ચાંદની પથરાઈ હતી. ઝાડો દુધે નહાતા હતાં. બાપા કહે : “ જુઓ તો, આ કેટલું સુંદર છે ! આ બધું કેટલું ભવ્ય છે ! આ બધું કેટલું મહાન છે !

બાપાએ કાવ્ય ગાયું.

છોકરો કહે: “બાપુ, આ જોવું બહુ ગમે છે. અહીં જ પાડ્યા રહેવું જોઈએ. આનું ચિત્ર કાઢે તો કેવું લાગે ? આ બધાંને કોણ કરતો હશે ?”

: ૫૯ :
ભાઈ’શાબ, નથી આવડતું !

વિઠલો સુતાર હતો. હજુ નાનો હતો છતાં ચોડાં ફાડાતાં ને રોંકતા આવડાતું; પણ વિઠલાને ઇતિહાસ ભૂગોળ કેમે કરીને યાદ ન રહે. બિચારો ઘણું ગોખે !

માસ્તર તો લેસન ન આવડે એને કાં તો ગાળો દે ને કાં તો મારે. વિઠલાને તો ગાળો યે દે ને ઉપરથી વળી મારે. વિઠલાને અંગૂઠા પકડાવે; પછી ઉપરથી ઘમ કરી ઘૂંસતો લગાવે !

બિચારો વિઠલો ઉં... કરી જાય ને બોલે: “ભાઈશા’બ નથી આવડતું !” વિઠલાને ઈતિહાસ આવડ્યો જ નહિ; વિઠલાને સુતારકામ આવડ્યું. આજે એ એક સારો સુતાર મિસ્ત્રી છે.

બાપા કામ કરવા દેતા હતા; માસ્તર ભણાવતા હતા ને મારતા હતા.