પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬
આ તે શી માથાફોડ
 


: ૬૦ :
ટહે

ભાઈ મારી પાસે અંગ્રેજી શીખવા બેઠા. કહ્યું: “વાંચો; શું છે ?”

ભાઈએ વાંચ્યું: “ટહે”

મને થયું “આવો શબ્દ અને ઉચ્ચાર અંગ્રેજીમાં તો નથી.” મેં ચોપડી જોઈ. એમાં the(ટી એચ ઈ - ધી) લખેલું હતું.

મને થયું. “આ ગણેશ ખોટા બેઠા; ભાઈને અંગ્રેજી બેસે તો બેસે !”

પછી મેં એને અંગ્રેજી ભણાવવા માંડ્યું. કેમે કરી બેસે નહિ. અંગ્રેજી કરતી વખતે આંખમાં પાણી આવે. એવો રમતિયાળ અને વિનોદી છોકરો, પણ બદલાઈ જ જાય ! ગરીબ ગાય જેવો ને મરી ગયેલો લાગે.

પણ પડતો આખડતો એ અંગ્રેજી ચોથા ધોરણમાં આવ્યો.

સાહેબ પધારવાના હતા. છોકરાઓએ રેસિટેશન્સ (Recitations) કરવાના હતાં; ભાઈને પણ ગોખીને બોલવાનું હતું. ભાઈએ તો માંડ્યું ગોખવા; ગોખ્યું, ગોખ્યું, ગોખ્યું !

સાહેબ પધાર્યા. રેસિટેશનો થયાં; ભાઈનું કામ ખૂબ વખાણાયું; ઉચ્ચારો (Pronounciations) અને હલક (Intonations) માટે સ્તુતિ પામ્યા; ભાઈને પહેલું ઈનામ મળ્યું. ભાઈ મલક્યા; માસ્તર પણ મલકાયા; ને સાહેબે વીઝીટર્સ બૂકમાં છોકરાના અને શાળાના કામને વખાણ્યું.