પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેટલો ફાયદો જ છે. દિવસના કપડાં પણ જેટલાં મોકળાં હોય તેમ સારું.

આપણી આસપાસેની હવા ચોખ્ખી જ હોય છે એમ નથી હોતું. બધી હવા એકસરખી હોય છે એમ પણ નથી હોતું. પ્રદેશે પ્રદેશે હવા બદલાય છે. પ્રદેશની પસંદગી આપણા હાથમાં નથી હોતી. પણ જે પ્રદેશમાં રહેવાનું થાય ત્યાં તો પસંદગીનો થોડો ઘણો અવકાશ હોય છે, હોવો જોઈએ. સામાન્ય નિયમ આમ મૂકી શકાય: જ્યાં બહુ ભીડ ન હોય, આસપાસ ગંદકી ન હોય, ત્યાં હવાઅજવાળાં બરોબર મળી શકે એવું ઘર શોધવું.


૩. પાણી

૧-૯-'૪૨

શરીરને ટકાવવામાં હવાથી બીજો દરજ્જો પાણીનો છે. હવા વિના માણસ થોડી ક્ષણ જ જીવી શકે છે. પાણી વિના કેટલાક દિવસ કાઢી શકાય. પાણીની બહુ જરૂરિયાત હોવાથી કુદરતે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પુરું પાડ્યું છે. પાણી વિનાની મરુભૂમિમાં માણસ વસી શકતો જ નથી, જેથી સહરાના રણ જેવા પ્રદેશમાં કંઈ વસ્તી જોવામાં નથી આવતી.

દરેક માણસે આરોગ્ય જાળવવાને સારુ પાંચ રતલ પાણી પેટમાં જાય તેટલું પ્રવાહી લેવું જોઈએ. પાણી સ્વચ્છ હોવું જોઈએ. ઘણે ઠેકાણે પાણી સ્વચ્છ હોતું નથી. કૂવાનું પાણી પીવામાં જોખમ હોય છે. છીછરા કૂવા કે વાવ જેમાં માણસ ઉતરી શકે છે તેનું પાણી પીવા લાયક નથી હોતું. દુઃખની વાત એ છે કે, પાણી પીવા લાયક છે કે નહીં એ આંખ હંમેશા બતાવી નહીં શકે, સ્વાદ પણ નહીં બતાવી શકે. નજરને અને સ્વાદને શુદ્ધ લાગતું પાણી પીવામાં ઝેરરૂપ હોઈ શકે. તેથી અજાણ્યા કૂવાનું કે અજાણ્યા ઘરનું પાણી ન પીવાની પ્રથા અનુસરવા જેવી છે. બંગાળમાં તળાવો