પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માંસાહરમાં નથી ગણાતું. સ્વરૂપે તો એ માંસનું જ એક રૂપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દૂધમાં છે. દાક્તરી ભાષામાં એની ગણતરી પ્રાણીજ ખોરાક - ઍનિમલ ફૂડ - માં કરવામાં આવી છે. ઈંડા સામાન્ય રીતે માંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઈંડા એવી રીતે પેદા કરવામાં આવે છે કે મરઘીને મરઘો બતાવવામાં નથી આવતો, અને છતાં તે ઈંડા મૂકે છે. આ ઈંડા કદી પાકતાં નથી. તેમાં મરઘું નહીં થઈ શકે. એટલે જેને દૂધ પીવામાં હરકત નથી તેને આ બીજા પ્રકારના ઈંડા લેવામાં કશી હરકત ન હોવી જોઈએ.

દાક્તરી મત મુખ્યત્વે મિશ્રાહાર તરફ ઢળે છે. જો કે પશ્ચિમમાં દાક્તરનો એક મોટો સમુદાય નીકળ્યો છે જેનો દ્રઢ અભિપ્રાય છે કે, મનુષ્યના શરીરની રચનાને જોતાં એ શાકાહારી જ છે. એના દાંત, હોજરી વગેરે એને શાકાહારી સિદ્ધ કરે છે. શાકમાં ફળોનો સમાવેશ કર્યો છે. અને ફળોમાં સૂકાં અને લીલાં બંને આવી જાય . સૂકાંમાં બદામ, પિસ્તાં, અખરોટ, ચિલગોજા વગેરેનો સમાવેશ છે.

મારો પક્ષપાત શાકાહાર તરફ હોવા છતાં અનુભવે મારે કબૂલ કરવું પડ્યું છે કે, દૂધ અને દૂધમાંથી નીપજતા પદાર્થો-માખણ, દહીં વગેરે વિના મનુષ્યશરીરનો નિભાવ સંપૂર્ણ રીતે નથી થઈ શકતો. મારા વિચારોમાં આ મહત્ત્વનો ફેરફાર થયો છે. મેં દૂધ ઘી વિના છ વર્ષ ગાળ્યાં છે. તે વખતે મારી શક્તિમાં કશી ન્યૂનતા નહોતી આવી. પણ મારા અજ્ઞાનને લીધે હું ૧૯૧૭ની સાલમાં સખત મરડાનો ભોગ બન્યો. શરીર હાડપિંજર થઈ ગયું. હઠપૂર્વક દવા ન લીધી અને એટલી જ હઠપૂર્વક દૂધ કે છાશ ન લીધાં શરીર કેમેય ન બાંધી શકાય. દૂધ ન લેવાનું મેં વ્રત લીધું હતું. દાક્તરે કહ્યું, "પણ તે તો ગાયભેંસના દૂધ વિશે હોય."