પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કીમતી પદાર્થ છે. કેટલીક વેળા તો તે માખણવાળા દૂધ કરતાં ચડી જાય છે. દૂધનો મુખ્ય ગુણ સ્નાયુવર્ધક પ્રાણિજ દ્રવ્ય આપવાનો છે. માખણ કાઢી લીધા પછી પણ એ દ્રવ્ય કાયમ રહે છે. છેક બધું માખણ કાઢી શકાય એવું યંત્ર હજુ લગી તો બન્યું નથી. બનવાનો સંભવ પણ ઓછો જ છે.

૪-૯-'૪૨

પૂર્ણ દૂધ કે અપૂર્ણ દૂધ ઉપરાંત બીજા પદાર્થોની જરૂર રહે છે. બીજો દરજ્જો ઘઉં, બાજરો, જુવાર, ચોખા વગેરે અનાજોને આપી શકાય. હિંદુસ્તાનમાં પ્રાંતે પ્રાંતે અનાજ નોખાં જોવામાં આવે છે. ઘણે ઠેકાણે કેવળ સ્વાદને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ એકી વખતે ખાવામાં આવે છે. જેમ કે ઘઉં, બાજરો ને ભાત ત્રણેય વસ્તુ સાથે થોડી થોડી લેવાય છે શરીરના પોષણને સારુ આ મિશ્રણ જરૂરી નથી.એથી માપ ઉપર અંકુશ જળવાતો નથી અને ને હોજરીને વધારે પડતું કામ અપાય છે. એક જ અનાજ એકીવખતે લેવું ઠીક ગણાશે. આ અનાજોમાંથી મુખ્યત્વે સ્ટાર્ચ મળે છે. બધાં અનાજોમાં ઘઉં રાજા છે. દુનિયાની ઉપર નજર નાખીએ તો ઘઉં વધારેમાં વધારે ખવાય છે. આરોગ્યની દ્રષ્ટીએ ઘઉં મળે તો ચાવલ અનાવશ્યક છે. જ્યાં ઘઉં ન મળે અને બાજરો, જુવાર ઇત્યાદિ ન ભાવે કે ન રુચે તો ચાવલ લેવા ઘટે છે.

૬-૯-'૪૨

અનાજમાત્રને બરાબર સાફ કરીને ઘરની ઘંટીમાં દળી, ચાળ્યા વગર વાપરવું જોઈએ, તેની ભૂસીમાં સત્ત્વ છે અને ક્ષારો છે. એ બંને બહુ ઉપયોગી પદાર્થો છે. વળી એમાં એવો પદાર્થ હોય છે કે જે પચ્યા વગર નીકળી જાય. તે સાથે મળને કાઢે છે. ચાવલનો દાણો નાજુક હોવાથી કુદરતે તેના ઉપર પડ બનાવ્યું છે, જે ખાવાના