પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપયોગનું હોતું નથી. તેથી ચાવલને ખાંડવામાં આવે છે, ઉપલું પડ કાઢવા પૂરતા જ ચાવલને ખાંડવા જોઈએ. યંત્રમાં ખાંડેલા ચાવલને તો, તેની ભૂસી છેક નીકળી જાય ત્યાં લગી ખાંડવામાં આવે છે. આનું કારણ એ છે કે, જો ભૂસી રાખવામાં આવે છે તો ચાવલમાં તુરત ઈયળ કે ધનેડાં પડે છે. કારણ કે ચાવલની ભૂસીમાં બહુ મીઠાશ રહેલી છે. અને ઘઉં કે ચાવલની ભૂસીને કાઢતાં માત્ર સ્ટાર્ચ રહી જાય છે. અને ભૂસી જતાં અનાજનો બહુ કીમતી ભાગ છૂટી જાય છે. ઘઉં ચાવલની ભૂસી એકલી રાંધીને પણ ખાઈ શકાય. તેની રોટલી પણ બની શકે. કોંકણી ચાવલનો તો આટો કરીને તેની રોટલી જ ગરીબ લોકો ખાય છે. ચાવલના આટાની રોટલી આખા ચાવલ રાંધીને ખાવા કરતાં કદાચ વધારે પાચક હોય ને ઓછી ખાવાથી પૂરતો સંતોષ આપે.

આપણામાં રોટલીને દાળમાં કે શાકમાં બોળીને ખાવાની ટેવ છે. આથી રોટલી બરોબર ચવાતી નથી. સ્ટાર્ચના પદાર્થો જેમ ચવાય ને મોઢામાં રહેલા થૂંક(અમી)ની સાથે મળે તેમ સારું. એ થૂંક (અમી) સ્ટાર્ચ પચાવવામાં મદદ કરે છે. ચાવ્યા વિના ખોરાક ગળી જવામાં આવે તો તે મદદ ન મળી શકે. તેથી ચાવવો પડે એવી સ્થિતિમાં ખોરાક ખાવો લાભદાયી છે.

સ્ટાર્ચપ્રધાન અનાજ પછી સ્નાયુ બાંધનાર કઠોળને બીજું પદ આપવામાં આવે છે. દાળ વિનાના ખોરાકને સહુ કોઈ અપૂર્ણ ગણે છે. માંસાહારીને પણ દાળ તો જોઈએ જ. જેને મજૂરી કરવી પડે છે, અને જેને પૂરતું કે મુદ્દલ દૂધ મળતું નથી, તેને દાળ વિના ન ચાલે એ સમજી શકાય છે. પણ જેને શારીરિક કામ ઓછું પડે છે, જેવા કે મુત્સદ્દી, વેપારી, વકીલ, દાક્તર કે શિક્ષક, અને જેને દૂધ મળી રહે છે, એને દાળની જરૂર નથી, એમ કહેતાં