પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મને જરા પણ આંચકો નથી આવતો. સામાન્યપણે પણ લોકો દાળને ભારે ખોરાક માને છે ને સ્ટાર્ચપ્રધાન અનાજ કરતાં બહુ ઓછા પ્રમાણમાં લે છે. દાળોમાં વાલ, વટાણા બહુ ભારે ગણાય છે, મગ ને મસૂર હળવાં. દેખીતું છે કે , માંસાહારીને દાળની મુદ્દલ જરૂર નથી. એ માત્ર સ્વાદને સારુ દાળ ખાય છે. કઠોળને ભરડ્યા વિના રાતભર પલાળીને ફણગા ફૂટે ત્યારે તોલા જેટલું ચાવવામાં આવે તો ફાયદો કરે છે.

ત્રીજું પદ શાક અને ફળને આપવું ઘટે. શાક અને ફળ હિંદુસ્તાનમાં સસ્તાં હોવા જોઈએ, પણ એમ નથી. તે કેવળ શહેરીઓનો ખોરાક ગણાય છે. ગામડાંઓમાં લીલોતરી ભાગ્યે જ મળે અને ઘણી જગ્યાએ તો ફળ પણ નહીં. આ ખોરાકની અછત એ હિંદુસ્તાનની સભ્યતા ઉપર એક મોટો ડાઘ છે. દેહાતીઓ ધારે તો લીલોતરી પુષ્કળ ઉગાડી શકે છે. ફળઝાડોને વિશે મુશ્કેલી છે ખરી, કેમ કે જમીન-વપરાશના કાયદા સખત છે ને ગરીબોને દબાવનારા છે. પણ આ તો વિષયાંતર થયું.

લીલોતરીમાં પાંદડાની ભાજીઓ (પત્તી-ભાજી) જે મળે તે સારા પ્રમાણમાં રોજ શાકમાં હોવી જોઈએ. જે શાકો સ્ટાર્ચપ્રધાન છે એની ગણતરી અહીં શાકમાં નથી કરી. સ્ટાર્ચપ્રધાન શાકોમાં બટેટાં, શક્કરિયાં, કંદ, સૂરણ ગણાય. એને અનાજનું પદ આપવું જોઈએ. બીજાં શાક સારા પ્રમાણમાં લેવાવાં જોઈએ. કાકડી, લૂણીની ભાજી, સરસવ, સુવાની ભાજી, ટમેટાં રાંધવાની કશી જરૂર નથી. તેને સાફ કરી બરોબર ધોઈને થોડા પ્રમાણમાં કાચાં ખાવાં જોઈએ.

ફળોમાં મોસમનાં ફળ મળી શકે તે લેવાં. કેરીની મોસમમાં કેરી, જાંબુની મોસમમાં જાંબુ, જામફળ, પપૈયાં, અંગૂર,