પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. દૂધપાક, બાસૂદી, શિખંડ, પેંડા, બરફી, જલેબી વગેરે મીઠાઈઓ ખવાય છે. તે બધાં અનાવશ્યક છે. વધારે પ્રમાણમાં ખાવાથી નુકશાન કરે છે. જે દેશમાં કરોડો માણસોને પૂરું અન્ન પણ નથી મળતું, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતિશયોક્તિ નથી લાગતી.

જેમ મીઠાઈનું તેમ જ ઘી-તેલનું. ઘી-તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની કશી આવશ્યકતા નથી. પૂરી, લાડુ વગેરે બનાવવામાં જે ઘીનો ખર્ચ થાય છે એ કેવળ વગર વિચાર્યું ખર્ચ છે. જેને ટેવ નથી તેઓ આ વસ્તુ ખાઈ જ શકતા નથી. અંગ્રેજો આપણા મુલકમાં આવે છે ત્યારે આપણી મીઠાઈઓ અને ઘીમાં રાંધેલી વસ્તુઓ ખાઈ જ નથી શકતા. ખાનારા માંદા પડ્યા છે, એ મેં ઘણી વાર જોયું છે. સ્વાદો કેળવેલી વસ્તુ છે.જે સ્વાદ ભૂખ પેદા કરે છેતે સ્વાદ છપ્પન ભોગમાં નથી. ભૂખ્યો માણસ સૂકો રોટલો અત્યંત સ્વાદથી ખાશે. જેનું પેટ ભર્યું છે તે સારામાં સારું ગણાતું પકવાન નહીં ખાઈ શકે.

૮-૯-'૪૨

કેટલું અને કેટલી વખત ખાવું એ વિચારીએ. ખોરાકમાત્ર ઔષધરૂપે લેવો જોઈએ; સ્વાદને ખાતર કદી નહી સ્વાદમાત્ર રસમાં રહેલો છે, અને રસ ભૂખમાં છે. હોજરી શું માંગે છે એની ખબર બહુ થોડાને રહે છે, કેમ કે આદત ખોટી પડી ગઈ છે.

જન્મદાતા માતાપિતા કંઈ ત્યાગી ને સંયમી નથી હોતાં. તેમની ટેવો થોડે ઘણે અંશે બચ્ચામાં ઉતરે છે. ગર્ભાધાન પછી માતા જે ખાય છે તેની અસર બાળક ઉપર પડે જ. પછી બાલ્યાવસ્થામાં માતા અનેક સ્વાદો કરાવે છે. પોતે ખાતી હોય એ બાળકોને ખવરાવે છે. એટલે હોજરીને ખોટી ટેવ બચપણથી જ પડેલી હોય