પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૭. માદક પદાર્થો

૮-૧૦-'૪૨

માદક પદાર્થોમાં હિંદુસ્તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મ્દિરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને 'એરક' (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારૂઓનો કંઈ પાર નથી. આ બધા સર્વથા ત્યાજ્ય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઈ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાંને ખુવાર કર્યાં છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.

એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. મને એ દલીલમાં કંઈ વજૂદ નથી લાગ્યું. પણ ઘડીભર એ દલીલોનો સ્વીકાર કરીએ તો પણ અનેક માણસો જે મર્યાદામાં રહી જ નથી શકતા તેમને ખાતર પણ એ વસ્તુનો ત્યાગ કરવો ઘટે છે.

તાડીનું સમર્થન પારસી ભાઈઓ તરફથી પુષ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદક્તા છે ખરી, પણ તાડીએ ખોરાક છે અને સાથે સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વિચારી છે, અને એ વિશે સારી પેઠે વાંચ્યું છે. પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઈ છે તે ઉપરથી હું એવા નિર્ણય પર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરૂર નથી.