પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યારે એના લક્ષણ બધા સારા હતાં. થિયૉસૉફિસ્ટ હતો. પન તેને શરાબ પીવાની લત હતી. જ્યારે એ પીએ ત્યારે તે છેક દીવાનો થઈ જતો. તેણે શરાબ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી જાણ પ્રમાણે છેવટ લગી તે સફળ ન થઈ શક્યો.

૧૦-૧૦-'૪૨

દક્ષિણ આફ્રિકાથી દેશ આવ્યો ત્યારે પણ દુઃખદ અનુભવો જ થયા. કેટલાક રાજાઓ શરાબની કુટેવથી ખુવાર થયા છે અને થાય છે. જે રાજાઓને લાગુ પડે છે તે ઘણા ધનિક યુવકોને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. મજૂર વર્ગની સ્થિતિ તપાસીએ તો તે પણ દયાજનક છે. આવા કડવા અનુભવો પછી વાંચનાર આશ્ચર્ય નહીં પામે કે હું કેમ મદ્યપાનની વિરોધ કરું છું.

એક વાક્યમાં કહું તો મદ્યપાનથી મનુષ્ય શરીરે, મને અને બુદ્ધિએ હીન થાય છે ને પૈસાની ખુવારી કરે છે.

૮. અફીણ

જે ટીકા મદ્યપાનને વિશે કરી તે જ અફીણને પણ લાગુ પડે છે. બે વ્યસનમાં ભેદ છે ખરો. મદ્યપાન નશો ટકે ત્યાં લગી માણસને તોફાની કરી મૂકે છે. અફીણ માણસને જડ બનાવે છે. અફીણી એદી બને છે, ઊંઘણશી થઈ જાય છે ને કંઈ કામનો નથી રહેતો.

મદ્યપાનનાં માઠાં ફળ આપનને રોજ નજરે જોઈ શકીએ છીએ તેમ અફીણની અસર તુરત નજરે નથી ચડતી. અફીણની ઝેરી અસર તુરત જોવી હોયતો તે ઓરિસા અને આસામમાં જોઈ શકાય છે. ત્યાં હજારો માણસો તે દુર્વ્યસનમાં ફસેલા જોવામા આવે છે. જેઓ તે વ્યસનથી ઘેરાયેલા છે તેઓ મરવાના વાંકે જીવતા હોય એવા લાગે છે.