પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેફ ચડે છે અને તે કેફમાં માણસ પોતાની ચિંતા કે પોતાનું દુઃખ ભૂલે છે. ટૉલસ્ટૉયે પોતાના એક પાત્ર પાસે ઘોર કામ કરાવ્યું તેના પહેલાં તેને શરાબ પિવડાવ્યો. તેને કરવું હતું ભયંકર ખૂન. શરાબની અસર થતાં છતાં તે ખૂન કરતાં સંકોચાય છે. વિચાર કરતો કરતો સિગાર સળગાવે છે, તેના ધુમાડા કાઢે છે, ઊંચે ચડતો ધુમાડો નિહાળે છે, ને બોલી ઊઠે છે: "હું કેવો બીકણ છું! ખૂન કરવું એ કર્તવ્ય છે તો પછી સંકોચ શો? ચાલ ઊઠ ને તારુ કામ કર." એમ તેની ડહોળાયેલી બુદ્ધિએ તેની પાસે નિર્દોષ માણસનું ખૂન કરાવ્યું. હું જાણું છું કે આ દલીલથી બહુ અસર ન પડી શકે. બધા તમાકુ પીનાર કંઈ પાપી હોતા નથી. કરોડો પીનારા પોતાનું જીવન સામાન્યપણે સરળતાથી વિતાડે છે એમ કહી શકાય. છતાં વિચારવાને મજકૂર દ્રષ્ટાંતનું મનન કરવું ઘટે છે. ટૉલ્સ્ટૉયની મતલબ એ છે કે, તમાકુની અસરમાં આવી પીનાર ઝીણાં ઝીણાં પાપો કર્યા કરે છે.

હિંદુસ્તાનમાં આપણે તમાકુ ફૂંકીએ છીએ એટલું જ નહીં, પણ તે સૂંઘીએ છીએ, ને જરદાને રૂપે ચાવીએ પણ છીએ. કેટલાક એમ માને છે કે, તમાકુ સૂંઘવાથી લાભ થાય છે. વૈધ હકીમની સલાહથી તેઓ તમાકુ સૂંઘે છે. મારો અભિપ્રાય છે કે તેની કશી જરૂર નથી. તંદુરસ્ત માણસને આવી જરૂર ન જ હોવી જોઈએ.

જરદો ખાનારનું તો કહેવું જ શું? તમાકુ ફૂંકવી, સૂંઘવી અને ખાવી એ ત્રણમાં ખાવી એ સૌથી વધારે ગંદી વસ્તુ છે. એમાં જે ગુણ મનાય છે એ કેવળ ભ્રમણા છે.

આપણામાં કહેવત છે કે, ખાય તેનો ખૂણો; પીએ તેનું ઘર ને સૂંઘે તેનાં લૂઘડાં એ ત્રણે બરાબર.