પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિમાયતી કહે છે કે, ભોગેચ્છા એક કુદરતી વસ્તુ છે, કદાચ તેને બક્ષિસને નામે પણ ઓળખાવાય. તેને કાઢવી અશક્ય છે, તેની ઉપર સંયમનો અંકુશ મૂકવો મુશ્કેલ છે. અને સંયમ સિવાય બીજો કોઈ ઉપાય ના યોજવામાં આવે તો અસંખ્ય સ્ત્રીઓની ઉપર પ્રજોત્પતિનો ભાર પડે, ને ભોગથી ઉત્પન્ન થતી પ્રજા એટલી વધી પડે કે મનુષ્યજાતિના સારુ એટલો ખોરાક જ ન મળી શકે. આ બે આપત્તિઓને અટકાવવા સારુ કૃત્રિમ ઉપાયો યોજવાનો માનવ ધર્મ થઈ પડે છે. મને આ દલીલમાં વજૂદ નથી લાગ્યું, કેમ કે એ ઉપાયોથી બીજી ઉપાધિઓ મનુષ્ય વહોરી લે છે; અને સૌથી મોટું નુકશાન તો એ છે કે, સંયમધર્મનો લોપ થવાનો ભય પેદા થશે. એ રત્ન વેચી ગમે તેવો તાત્કાલિક લાભ થતો હોય તો તે જતો કરવો જોઈએ. પન આસ્થાને હું દલીલમાં ઊતરવા નથી ઈચ્છતો. જિજ્ઞાસુને મારી ભલમણ છે કે તે नीतिनाशने मार्गे નામનું મારું પુસ્તક મેળવે ને તેનું મનન કરે ને પછી તેના હૃદય ને બુદ્ધિ જે કહે તે પ્રમાણે ચાલે. જેને એ પુસ્તક વાંચવાની ઈચ્છા કે ફુરસદ ન હોય તે ભૂલેચૂકે પણ આ કૃત્રિમ ઉપાયોની પડખે ન ચડે. ભોગનો ત્યાગ કરવાનો ભગીરથ પ્રયત્ન કરે અને નિર્દોષ આનંદના ક્ષેત્રો છે તેમાંથી થોડાં પસંદ કરે. ખરો દંપતીપ્રેમ શુદ્ધ માર્ગે જાય, બંને ઊંચે ચડે એવા કાર્યો શોધે, કે જેમાંથી વિષય વાસના સેવવા જેટલો અવકાશ જ ન મેળવી શકે . શુદ્ધ ત્યાગના થોડા અભ્યાસ પછી તેમાં રહેલો રસ તેમને વિષય ભની જવા જ નહીં દે. મુશ્કેલી આત્મવંચનામાં પેદા થાય છે. ત્યાગનો આરંભ વિચાર શુદ્ધિથી નથી થતો પણ કેવળ બહ્યાચારને રોકવાના ફોકટ પ્રયત્નથી થાય છે. વિચારની દ્રઢતા સાથે આચારનો સંયમ શરૂ થાય તો સફળતા મળ્યા વિના ન જ રહે. સ્ત્રીપુરુષની જોડી વિષયસેવન સારુ કદી તૈયાર નથી થઈ.