પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મદદ ન હતી. છૂટું છવાયું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના ફેરફાર ઉપર નભતો. પુષ્કળ ફરવાનું રાખતો તેથી કોઈ દિવસ ખાટલો સેવવો નહોતો પડ્યો. આમ મારું રગશિયું ગાડું ચાલતું હતું. તેવામાં જુસ્ટનું रिटर्न टु नेचर નામનું પુસ્તક ભાઈ પોલાકે મારા હાથમાં મૂક્યું. તે પોતે તેના ઉપચારો નહોતા કરતા. ખોરાક જુસ્ટે બતાવેલો કંઈક અંશે લેતા. પણ મારી ટેવો જાણે તેથી તેણે મારી પાસે મજકૂર પુસ્તક મૂક્યું. તેમાં મુખ્યત્વે ભાર માટી ઉપર મૂક્યો છે. મને લાગ્યું કે એનો પ્રયોગ મારે કરી લેવો જોઈએ. બંધકોષમાં સાફ માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેડુ ઉપર મૂકવી. જુસ્ટની ભલામણ માટી કંઈ કપડા વિના પેડુ પર મૂકવાની છે, પણમેં તો ઝીણા કપડામાં જેમ પોલ્ટીસ મૂકીએ તેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેડુ ઉપર રાખી. સવારે ઊઠ્યો, તો દસ્તની હાજત હતી ને જતાં તરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો. તે દિવસથી તે આજ લગી એમ કહી શકાય કે હું ફ્રૂટ સૉલ્ટને ભાગ્યેજ અડ્યો હોઈશ. જરૂર જણાયે કોઈક વાર એરંડિયું તેલ નાનો ચમચો પોણો સવારના લઉં છું ખરો. આ માટીને લોપરી ત્રણ ઈંચ પહોળી અને છ ઈંચ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અડધો ઈંચ કહો. જુસ્ટનો દાવો છે કે, જેને ઝેરી સાપ ડંખ્યો હોય તેને જો માટીનો ખાડો કરી(માટીથી ઢાંકીને) તેમાં સુવડાવવામાંઅ આવે તો તે ઝેર ઊતરે છે. એવો દાવો સાબિત થાઓ કે ન થાઓ, પણ મેં જાતે જે ઉપયોગ કર્યો છે તે તો કહી જાઉં. માથું દુખતું હોય તો માટીની લોપરી મૂકવાથી ઘણે ભાગે ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ પ્રયોગ કર્યો છે. માથું દુખવાના અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્ય પણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માથું દુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલિક લાભ તો આપે જ