પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂકવીને દરદીને સુવાડી દેવો જોઈએ. આ સ્નાન ઘણો સખત તાવ હોય તેને પણ ઉતારે છે. આ પ્રમાણે સ્નાન લેવામાં નુકશાન તો છે જ નહીં, અને લાભ પ્રત્યક્ષ મળે છે. સ્નાન ભૂખ્યે પેટે જ લેવાય છે. બંધકોષમાં પણ આ સ્નાન ફાયદો કરે છે. અજીર્ણને મટાડે છે. સ્નાન લેનારના શરીરમાં કાંટા આવે છે. બંધકોષને સારુ કટિસ્નાન પછી અરધો કલાક આંટા મારવાની ભલામણ છે. આ સ્નાનનો મેં બહોળો ઉપયોગ કર્યો છે. બધી વેળા સફળ થયો છે એમ નહીં કહી શકું. પણ સોમાંથી પંચોતેર ટકામાં સફળતા મળી છે એમ કહી શકું. તાવ બહુ ચડ્યો હોય ત્યારે તો, ને દરદીને ટબમાં બેસાડી શકાય એવી સ્થિતિ હોય તો, તાવ બે-ત્રણ દોરા તો જરૂર ઊતરશે. સન્નિપાતનો ભય મટશે.

૧૫-૧૨-'૪૨

આ સ્નાનને વિશે ક્યુનેની દલીલ આ છે: રોગનું ગમે તે બાહ્ય ચિહ્ન હોય, પણ તેનું આંતરિક કારણ એક જ હોય છે. આંતરડાનો તાવ અંદરની ગરમીને અનેક રૂપે બહાર પ્રગટાવે છે. આ આંતરિક તાવ કટીસ્થાનથી અવશ્ય ઊતરે છે ને તેથી બહારના અનેક ઉપદ્રવો શાંત થાય છે. આ દલીલમાં કેટલું તથ્ય છે એ હું ન કહી શકું. એ તો અનુભવી દાક્તરો બતાવી શકે. પણ, જોકે નૈસર્ગિક ઉપચારોમાંથી કંઈ દાક્તરોએ લીધેલું છે છતાં એમ કહી શકાય કે એ ઉપચારો વિશે તેઓ ઉદાસીન રહ્યાં છે. આમાં બન્ને પક્ષના દોષ હું જોઉં છું. દાક્તરો પોતાની શાળા વાટે જે શીખે તે જ જોવાની ટેવ કેળવે છે, એટલે બહારનું જે હોય તેને વિશે તિરસ્કાર નહીં તો ઉદાસીનતા તો અવશ્ય બતાવે છે. નૈસર્ગિક ઉપચારકો દાક્તરોને વિશે તિરસ્કાર કેળવે છે, અને પોતાની પાસે શાસ્ત્રીય જ્ઞાન ઘણું ઓછું હોવા છતાં દાવો બહુ મોટો કરે છે. ઉપચારકો સંઘશક્તિ કેળવતા નથી. કેમ કે સહુને પોતાની પાસે રહેલી મૂડીથી સંતોષ