પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭-૧૨-'૪૨

આમ લપેટ્યા પછી ઘડા કે તપેલા પરનું ઢાંકણ કાઢી લેવું એટલે દરદીને વરાળ મળશે. બરોબર વરાળ ન મળે તો પાણી બદલવાની જરૂર પડશે. બીજા ઘડામાં પાની ઊકળતું હોય તે ખાટલા નીચે મૂકવું. સાધારણ રીતે આપણામાં રિવાજ એવો છે કે, ખાટલા નીચે અંગારા મૂકે છે અને તેની ઉપર ઊકળતા પાણીનું વાસણ. આ રીતે પાણીની ગરમી જરા વધારે મળવાનો સંભવ છે, પણ તેમાં અકસ્માત થવાનો ડર રહ્યો હોય છે. એક તણખો પણ ઊડે ને કામળ કે કંઈક ચીજ બળે તો દરદીની જાન જોખમમાં આવી પડે. એટલે ગરમી તુરત મળવાનો લોભ છોડીને મેં સૂચવેલી રીતનો ઉપયોગ કરવો.

કેટલાક એવા પાણીમાં વસાણાં નાખે છે. જેમ કે લીમડો. મેં એનો ઉપયોગ અનુભવ્યો નથી. પ્રત્યક્ષ ઉપયોગ તો વરાળનો છે. આ રીત તો પરસેવો લાવવાની થઈ.

જેના પગ ઠંડા થઈ ગયા હોય, પગે કળતર થતી હોય; તેવે સમયે ગોઠણ લગી પહોંચી શકે એવા ઊંડા વાસણમાં સહન થઈ શકે તેવા ગરમ પાણીમાં રાઈનો ભૂકો નાખીને પગ થોડી મિનિટ લગી બોળી રાખવા. તેથી પગ ગરમ થાય છે. કળતર શમે છે. લોહી નીચે આવે છે, એથી દરદીને સારું લાગે છે. સળેખમ થયું હોય કે ગળું આવી ગયું હોય તો કીટલીમાં ઊકળતું પાણી રાખી ગળામાં કે નાકમાં વરાળ લઈ શકાય છે. કીટલીને એક સ્વતંત્ર ભૂંગળી લગાડવાથી તે ભૂંગળી વાટે વરાળ સુખેથી લઈ શકાય છે. આ ભૂંગળી લાકડાની રાખવી. રબરની નળી લગાડીને તેને ભૂંગળીમાં લગાડવાથી વધારે સગવડ પડે છે.