પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેથી મનુષ્યનું સૂવાનું સ્થાન આકાશની નીચે હોવું જોઈએ. ભીનાશ કે ટાઢથી બચવા પૂરતું ઢાંકણ ભલે રાખે, એક છત્રી જેવું ઢાંકણ વરસાદમાં ભલે હોય. બાકી બધો વખત તેની છત્રી અગણિત તારાઓથી જડેલું આકાશ જ હોય. જ્યારે આંખ ઊઘડે ત્યારે તે પ્રતિક્ષણ નવું દૃશ્ય જોશે. તે જોતાં થાકશે નહીં છતાં તેની આંખ અંજાશે નહીં, શીતળતા ભોગવશે. તારાઓનો ભવ્ય સંઘ ફરતો જ દેખાશે. જે મનુષ્ય એઓની સાથે અનુસંધાન કરી સૂશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે.

૧૮-૧૨-‘૪૨

પણ જેમ આપણી આસપાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે. ચામડીમાં રહેલા એક એક છિદ્રમાં, બે છિદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ-અવકાશને આપણે ભરી મૂકવાનો પ્રયત્ન પણ ન કરીએ. તેથી જો આપણે આપણો આહાર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે. આપણને હંમેશાં ખબર નથી હોતી કે ક્યારે વધારે અથવા અયોગ્ય ખવાઈ ગયું છે. તેથી અઠવાડિયે, પખવાડિયે કે સગવડ પડે તેમ અપવાસ કરીએ તો સમતોલતા, સમતા જાળવી શકાય. પૂરા અપવાસ ન કરી શકે તે એક અથવા વધારે ટંકનું ખાવાનું છોડી દેશે તોપણ લાભ મેળવશે.

૪. તેજ

જેમ આકાશાદિ તત્વો વિના તેમ તેજ એટલે પ્રકાશ વિના પણ મનુષ્યનો નિર્વાહ નહીં થઈ શકે. પ્રકાશમાત્ર સૂર્યની પાસેથી આવે છે. સૂર્ય ન હોય તો ન ગરમી હોય, ન પ્રકાશ હોય. આ પ્રકાશનો આપણે પૂરો ઉપયોગ નથી કરતા, તેથી પૂરું આરોગ્ય નથી