પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

________________

આમાના આલાપ ૯૫

'એમાં શું ! પાછા આવો ત્યારે તમે તમારા હાથે આપજો, ભાઈ! તેને અત્યંત આનંદ થશે.'

રાજારામન બોલવા ગયો પણ કાંઈ બોલ્યો નહિ, અચકાતાં અચકાતાં સોનીએ વિદાય લીધી. રાજારામનને રાતે ઊંઘ આવી નહીં. વિચાર કરતો બેસી રહ્યો. એકાએક કોઈ વિચાર આવતાં ખુરશી ટેબલની પાસે ખસેડીને તે પ્રહદીશ્વરને કાગળ લખવા બેઠો. તે દિવસે સવારે ખાદી વેચવા ગયો હતો, રાજ્યકક્ષાનું અધિવેશન, સરઘસની જવાબદારી, સત્યમૂર્તિ મદુરૈ આવવાના છે, બધા સમાચારની વિગતો તેણે લખી. અને શક્ય હોય તે અધિવેશન વખતે મદુરૈ આવવા માટે લખ્યું. કાગળ કવરમાં બીડી ગુંદર લગાવી કવર બંધ કર્યું. મેલૂરના ઘરનું ભાડું હવે વાંચનાલયમાં પહોંચાડવા કે મનીઑર્ડર કરવા માટે ખાતરની કંપનીને પત્ર લખવાનો હતો. તે પત્ર પૂરો કર્યો ત્યારે ફંડની ઑફિસમાં બાર વાગ્યા. દીવો હોલવીને રાજારામન સૂઈ ગયો. 'કાલે હું મેલૂર જાઉં છું ! તો ખાતરની ઑફિસને પત્ર લખવાની શી જરૂર છે ?'

કાલે મેલૂર ક્યાંથી જવાશે ? ગુસ્સામાં સોનીને આવું કહી તો નાખ્યું. કાલે તો શું તે પછીના ઘણા દિવસો સુધી કૉંગ્રેસના અધિવેશનના કામમાં રોકાયેલો છું. સમય પણ થોડો છે' - 'સોનીને આવું જૂઠું કેમ કહ્યું? 'આવો વિચાર આવતાં પોતાને આમ જૂઠું બોલવું જોઈતું ન હતું, તેને લાગ્યું. ઘણાં સમય સુધી તેને ઊંઘ આવી નહિ. અર્ધ તંદ્રાવસ્થામાં પડ્યાં પડ્યાં તેણે પાસાં ઘસવા માંડ્યાં. સહેજ આંખ મીંચાઈ ત્યારે ફંડની ઑફિસમાં એકનો ટકોરો થયો. પડખુંં ફરતાંં, તેના પગને કોઈ મૃદુ સ્પર્શ થયો, તે એકદમ બેઠો થઈ ગયો.

મદુરમ ભીની આંખે ઊભી હતી. અંધારામાં વીજળી રડતી ન હોય તેમ !