પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

________________

આત્માના આલાપ ૯૭ સમય વીત્યા પછી સમજાય એને અર્થ કાંઈ નથી. કયા કારણથી પોતાને તેના પર ગુસ્સો થયો હતો એનો ફરી તેણે વિચાર કર્યો ત્યારે પણ તેનું કારણ ન સમજાવાથી તેના પર ગુસ્સો કરવા બદલ પશ્ચાતાપ થયો.

બીજે દિવસે વહાણું વાય તે પહેલાં ઊઠી, નહાઈ કપડાં બદલી તે મંદિરે ગયો. ત્યાંથી વાંચનાલયમાં પાછો ન આવતાં તે સીધો કમિટીની ઑફિસે ગયો.

'રાજારામન, કાર્ય ઘણું છે. અધિવેશનનો દિવસ આઘો નથી. ઘણાં બધાં કાર્યો કરવાનાં છે. અધિવેશન પૂરું થાય ત્યાં સુધી ચારપાંચ દિવસ તું અહીં રહે તો સારું ? – સ્વાગત સમિતિના પ્રમુખે કહ્યું. રાજારામને રહેવા માટે સંમતિ આપી, મુત્તિરૂલપ્પન અને ગુરુ સામી સમાચાર મોકલીને ફાળો ઉઘરાવવાની અને સરઘસની તેમ જ બધા સ્વયંસેવકોને ભેગા કરવાની વ્યવસ્થા કાર્યાલયમાં રોકાઈને કરી. પગ વાળીને બેસવાનો સમય ન મળે એટલું બધું કામ હતું. મદુરમ શું માનતી હશે. કેવા કેવા વિચાર કરીને દુઃખી થતી હશે, એવા વિચારો તેને આવતા ત્યારે તે કામમાં ડૂબો જતો.

રાજારામન સમિતિના કાર્યાલયમાં રહેવા આવ્યો તેના બે દિવસ પછી રાતે આઠેકના સુમારે રત્નવેલ સોની તેને શોધતા આવ્યા. તેમના વદન પર સ્મિત ન દેખાતા તે અત્યંત ચિંતિત હોવા જોઈએ એમ લાગ્યું. તે આવ્યા ત્યારે હજી પણ પાંચછ સ્થાનિક સ્વયંસેવકો બેસીને તોરણ માટે રંગીન કાગળ કાપીને ચોઢતા હતા. આથી રાજારામન તેમને જોતાંની સાથે ઊભો થઈને વાત કરી શક્યો નહિ 'આવો સોની' એટલા શબ્દો બોલ્યો, સોની પણ ખાલી હાથે ન બેસી રહેતાં તેમની સાથે કામે વળગ્યા. પોતે ખાસ કામ માટે રાજારામનને શોધતા આવ્યા છે, કહેતાં તેમને સંકોચ થતો હતો.