લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ચમેલી

⁠કોણ જાણે આજે શું થયું હતું, તે પળે પળે પંખીની માફક ઊડતી ચમેલી શાંત થઈ ગઈ હતી ! ખંજન પક્ષીને શાંત જોઈને જેવી નવાઈ લાગે એવી એ નવાઈ હતી. ચમેલી આંહીં પાંચ છ મહિના થયાં આવી હશે, પણ આડોશપાડોશમાં એનું નામ સૌની જીભે ચડી ગયું હતું. કોઈની ચમેલી ભાભી, કોઈની ચમેલી કાકી, કોઈની ચમેલી માશી, કોઈની ચમેલી મામી, અને અસંખ્યની તો ચમેલી બેન, પણ જ્યાં જુઓ ત્યાં હવામાં નામ તો ચમેલીનું જ ગૂંજતું હોય ! અને જ્યારે જુઓ ત્યારે હસતી ! કેમ જાણે એનો જન્મ જ હસવા માટે ન હોય !

⁠અને એમ કેમ ન હોય ? માત્ર છ મહિનામાં તો એણે શહેરનો રંગ આબાદ પકડી લીધો હતો. નહિતર હતી ગામડાની, ભણેલી પણ બહુ નહિ, છતાં કોઈ પ્રૉફેસર બલવંતને એમ મેણું ન મારી શકે હવે, કે અલ્યા ! તારી વહુ તો બોઘા જેવી છે; એવી ‘અપ–ટુ–ડેઈટ’ એ બની ગઈ હતી. તે બોલવા ચાલવામાં પણ શું–એનામાં છટા છે, એ તો સૌ કોઈ કબૂલ કરતા; ભલે એનામાં દલીલબાજી ન હોય.