સિવાય, બીજા કોઈનો અભિપ્રાય નહિ. બલવંતને બધી ઉપાધિ લાગે. દિલીપને બધી મજા લાગે. વાતોનો તો એની પાસે ઢગલો. નવી નવી રમ્મતનો શોખ. નવી વાનગી પણ એ જાણે. ચમેલીને તો મજા પડી ગઈ. દિલીપ પણ આખો દિવસ ખુશમિજાજથી વાતો કરતો જ હોય. પાછા એણે તો અલક મલક જોયા હતા. આપણા દેશના—ભયંકર આચારવિચારથી એ તો ધ્રૂજી ઊઠતો!
ચમેલી પાસે કેવી કેવી વાતો એ કરે ? પહેલાં તો ચમેલી નિર્દોષ ભાવે એ સાંભળીને હસ્યા જ કરતી. પણ ધીમે ધીમે એને દિલીપના અવાજમાં ફેર દેખાયો અને એ ધ્રૂજી ઊઠી!
એક દિવસ બપોરે એ ઘરમાં કાંઈ કામે ગઈ ને દિલીપ પાછળ આવ્યો: ‘ભાભી ! આ મને ખબર નહિ હો, તમે પણ મારાથી આ છૂપાવી રાખ્યું? આમ તો તમે આગળ વધેલ છો! કોઈ કહી શકે નહિ કે તમને અમુક વાતની ગતાગમ નથી!’
‘શાની વાત કરો છો દિલીપભાઈ ! મેં તો તમારાથી કાંઈ છૂપાવ્યું નથી ! ’
‘કેમ? કાલે કબાટ ઉઘાડીને તમે કપડાં જોતાં’તાં ત્યારે પેલી ‘બોક્સ’માં શું હતું?’
‘મારા એરિંગની વાત કરો છો? ’
‘જુઓ ! મને બનાવો છો કે?’ દિલીપનો અવાજ ધીમો પડ્યો, ‘કે પછી જાણી જોઈને તાવો છો?’
અવાજની ધીમાશ ને એમાં દેખાતી ભયંકર છદ્મમૃદુતા જોઈ ચમેલી ધ્રૂજી ગઈ. પણ તેણે હિંમ્મતથી કહ્યું: