ચમેલી તો ધ્રૂજતી બહાર દોડી ગઈ, દિલીપ એની પાછળ ધીમે પગલે બહાર આવ્યો: ’મને ખબર નહોતી તમે આટલાં orthodox — જૂનવાણી જડસુ છો. પણ એ તો ધીમે ધીમે આપણે એને ટેવાવું પડશે—શહેરોમાં જ્યાં ભેગું જીવન છે ત્યાં તો કલેશ અટકાવવા માટે આ અમોઘ શસ્ત્ર છે. તમે આવા વિચાર ધરાવો છો, આવી તદ્દન સાદી બાબતમાં હજી–ઑહ !—‘ અને એ ધીમે ધીમે ફરવા ચાલ્યો ગયો.
ચમેલી તો આની વાતમાં કાંઈ સમજી નહિ. તે પહેલાં પ્રૉફેસર બલવંતની વાતમાં પણ કંઈ સમજી ન હતી. એને કંઈક એવું યાદ હતું કે પ્રૉફેસર બલવંત તો એની નાજુક તબિયતની વાત કરતો હતો. પણ બલવંત તો બલવંત હતો. અને આ તો ચમેલીને જુદી જ માટીનો માનવી લાગ્યો. એ તો હવે એકલી ઘરમાં રહેતી ધ્રૂજવા લાગી. એને આવી ગંભીર જોઈને બલવંતને ધ્રાસકો પડ્યો. એણે એને પૂછ્યું: ’ચમેલી! તને કંઈ લાગે છે?‘
’શાનું?‘
’વખતે બીક લાગતી હોય તો!‘
’ના રે! ના, એવું કંઈ નથી!‘
’હોય તો નહિ જ. તારી તબિયતની સંભાળ લેવા માટે તો મેં પેલાં વસાવ્યાં છે. એટલે એનો ઉપયોગ હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ ત્યારે તું ગંભીર કેમ બની ગઈ છો? મને તો બીક લાગી કે આવી નાજુક તબિયતે મંદવાડ આવે તો તો આવી બને નાં ? હમણાં હમણાં તો એવા ’કેઈસ‘ થાય છે!‘