નાં? છે તો દેખાવડો ! શું ભણ્યો છે ?’
ચમેલીના પેટમાં ધ્રાસકો પડ્યો: ‘માશી ! એ તો આજનાં ભણતર, એમાં દોઢિયાં થાવાં મુશ્કેલ. ધરવખરીમાં કાંડે બાંધે એ!’
‘વર હોય તો, ભૂંડી ! ઘર તો પછી થાય!’
‘પણ વર ન હોય તો?’
‘કેમ? એટલે તો બાઈ, તને પૂછ્યું. રંજનને તો તું તલેતલ જાણે છે. તારા દેરને પણ તું જાણે. તું જ કહે કે અમારે શું કરવું? આવતો શિયાળો હવે ખમે એમ નથી ! તમારે આંહીં શે’રમાં સાંઢડા ચાલે. ગામડાગામમાં આખું ગામ માથું ખાઈ જાય!’
‘પણ માશી ! હું કહું છું નાં કે આ તમારે કરવા જેવું . . . ’ ચમેલીનું વાક્ય પૂરું થયું નહિ.
‘કેમ? ક્યારે આવ્યાં છો?’ કહેતાક ને પ્રોફેસર બલવંત પાછળથી આવ્યા. તેમની પાછળ જ દિલીપ હતો. સામે બારણેથી રંજન આવી રહી હતી.
‘આવો, આવો, આ હમણાં જ આવ્યાં. કીધું દિલીપભાઈ આવ્યા છે તે મળી આવીએ. રંજન! આંહીં આવને—આ બળવંતભાઈ ને તો તું ઓળખતી પણ નહિ હો ! ક્યારે જોયા હોય?’
ચમેલી તો વિચારમાં પડી ગઈ. પછી એ માશી સામે જોઈ રહી. માશી તો જે હેતુ માટે આવ્યાં હતાં એને લગતી જ દરેક વાતને સમજે, એવી સ્થિતિમાં હતાં. એટલે ચમેલીની નજરમાં એણે પોતાને ઉત્તેજન અપાવનારું જ કાંઈક વાંચ્યું ને એ આગળ વધ્યાં.