‘આ અમારી રંજનને હવે ઠેકાણે પાડી દ્યો―તમે—એટલા માટે તો એને ભેગી લાવી છું!’
‘તે સારું કર્યું—અમારે પણ દિલીપભાઈનું કરવાનું જ છે. અમે પણ મૂંઝવણમાં પડ્યાં છીએ!’
‘લ્યો ! તો તો સોનામાં સુગંધ મળી. અમને તમારા જેવું ઠેકાણું ક્યાંથી મળે ? . . . ’
‘પણ એમ કાંઈ હોય ? હવે આ જમાનામાં... ’ ચમેલીને વાતનો કયો દોર આપવો તે સમજ ન પડી. ‘રંજનબેન અને દિલીપભાઈનું મન માને—હવે તો એમને જોવાનું . . . ’
‘બરાબર છે. એ તો પહેલું. જુઓ, એણે બરાબર તોડ કાઢ્યો નાં?’ બલવંતે કહ્યું.
‘કોનું પડખું સેવ્યું છે? કેમ ન કાઢે? એણે જ મને કહ્યું કે માશી! મારા દેર પણ હમણાં આવ્યા છે!’
‘એણે કહ્યું એમ ? ત્યારે તો... ’ પ્રોફેસર બલવંત વાક્ય ગળી ગયા.
ચમેલી કાંઈ સમજી નહિ. બીજા તો કાંઈ સમજે તેમ ન હતા. દિલીપ સાંભળી રહ્યો. ચમેલી પણ હેબતાઈ ગઈ. એને વાતના દોર કેમ લેવો તે સૂજ પડતી ન હતી.
‘પણ એને વાંધો શું છે? કન્યા પસંદ નથી ? ઘર નાનું લાગે છે? વિચાર નથી કે છે શું?’
‘તે તો માશી! કાંઈક બોલે તો ખબર પડે નાં? ’
‘તેં પૂછ્યું નહિ?’
‘રંજને પૂછ્યું હશે નાં?’