ન હતો. કેવળ પ્રેમની ખાતર જ પ્રેમ હતો. સુબંધુની હજારો ખાનગી નાની નાની વાતો — જે ઘણું કરીને બાળકો માબાપને કહેતાં જ નથી — એવી વાત ગોવિંદરામ પાસે પહોંચી ગઈ હોય.
એ મૈત્રીનું એક ફળ એ થયું કે હું પોતે સમજું તેના કરતાં સુબંધુ જૂની ચીજોના વાતાવરણમાં વધુ સમજી શકતો. એ બોલીને દેખાડી શકતો નહિ, પણ મૂંગી વાણી મારફત એનો અનુભવ કરી શકતો. એટલું જ નહિ પણ ઘણી વખત તો સાચી અને નકલી વસ્તુઓ જોતાં વેંત જ જુદી પાડી દેતો. ગોવિંદરામ એ વખતે બોલતો નહિ, પણ એના ચહેરા ઉપરથી સ્પષ્ટ સમજી શકાય કે એ સુબંધુને પોતાની પ્રણાલિકાનો આદર્શ માનીને ઊંડો સંતોષ અનુભવી રહ્યો હતો. એ જાણે કહેતો હોય કે ‘આ છોકરો કોઈ ભવિષ્ય અને ભૂતકાળને જોડનાર છેલ્લો સાક્ષી બનશે ! પછી આવી ચીજો કોઈ સંઘરશે નહિ, કોઈ રાખશે નહિ, કોઈ એના પર થૂંકશે પણ નહિ !’
એક વખત ગોવિંદરામને કોણ જાણે શું ભૂત ભરાયું, તે મારી પાસે આવ્યો.
ખાસ્સા ઇંગ્લિશ બનાવટના સુંદર કૉચ ઉપર બેસીને હું તો મજેની લિપ્ટનની ચા પીતો હતો, ત્યાં ગોવિંદરામ આવી પહોંચ્યો.
‘કેમ આવો છો?’
ગોવિંદરામની વાત કરવાની રીત આવી અદ્ધરની જ હતી. અદ્ધરથી જ ઉપાડવાનો: ‘કાં, જોયું?’ આપણે આશ્ચર્ય પામીએ કે ‘શું, ભાઈ?’ ત્યાં એકાદ ખંડિત મૂર્તિનો હાથ