લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચમેલી
૧૦૫
 

સ્થાન હોય જ નહિ.

⁠’તમારી જાતને તમે બરાબર તપાસો એટલે તમારું અરધિયું તમને તરત મળી જાય. આ તો તમે જાત છુપાવો છો—અથવા કહો કે તમારી જાત વિષે તમે કાંઈ જ જાણતા નથી—એટલે તમને સઘળે અપૂર્ણતા લાગે છે! ચમેલી ! તું કાંઈક કહેતી હતી ને?’

⁠‘મારે તો રંજનને કહેવાનું હતું!’ ચમેલીએ હિંમ્મતથી પ્રત્યુત્તર વાળ્યો.

⁠‘શું?’

⁠‘તમારા આંતરિક જીવન વિષેનો મારો પરિચય!’ બલવંત ચમકી ઊઠ્યો.

⁠દિલીપ એકદમ સફાળો ઊભો જ થઈ ગયો. બલવંતે એને જતાં રોક્યો: ‘જો દિલીપ! એની પૂર્તિ હું કરી દઉં. વિજ્ઞાન, વ્યક્તિને માટે જરૂરી પ્રસંગનો આશીર્વાદ છે, બીનજવાબદારી ભરેલી રીતે જે લોકો વિજ્ઞાનને વાપરે છે—એ લોકો રાક્ષસોને નોતરે છે. મારે ત્યાં હજી વિજ્ઞાન રાક્ષસનો સ્વાંગ ધારી શક્યું નથી. આપણે ત્યાં એક વહેમ છે ખબર છે? ભૂતને કામ જોઈએ ! વિજ્ઞાન પણ ભૂતમંત્ર છે ! તારે તો હવે શાંત સ્વસ્થ રોજિંદું જીવન ગાળવા માટે પણ તાલીમ લેવી પડે એવું છે!’

⁠દિલીપ બોલ્યા વિના ધીમે શાંત પગલે નીચે ઊતરી ગયો. તેને કાંઈ આ વાત ગળે ઊતરી નહિ. એણે જીવનવ્યવહારને જુદી રીતે જોવાની દૃષ્ટિ કેળવી હતી.

⁠ચમેલી પ્રોફેસર સામે જોઈ રહી: ‘ત્યારે તો તમને આ ખબર હતી—મારે કહેવું . . . ’