એવી કલા છે ! મારે સ્વરૂપ નથી; મારે કલા છે. મારે સૌન્દર્ય નથી; લાલિત્યનો વહેતો પ્રવાહ છે. મારામાં સપ્રમાણ અવયવબંધ નથી; શરીરબંધ છે. જો હું પોતે જ ગઝલ છું, દર્દનો જીવંત ઇતિહાસ છું, રસની તૃષાનો ખરો ચિતાર છું, તો મારે—આ કલાનાયક, મારે—કોના માટે ગઝલ ગાવી ? કોનું દર્દ સાંભળવું? અરે, કોની તૃષા છીપાવવી? દિલ્હીનો સમ્રાટ આ બાલ સાથે રમવા માટે ચાલતો આવે, પણ સ્ત્રીના બાલ સાથે વિનોદથી રમી શકે એને જ પુરુષ કહેવો?’
‘ઓ કિરતાર, ફરીથી કહું છું કે દિલ્હીનો સમ્રાટ્ સમ્રાટ્ હશે. પણ પુરુષ નથી; મસ્તાનીને મયૂરાસન પર સમ્રાટ્ સાથે બેસવાનો શોખ નથી; એને તો નીલા ઘાસની ગાદીમાં પણ પુરુષ સાથે બેસવાનો મોહ છે. કોઈ બડી પંડિતા ગાર્ગી નામે થઈ ગઈ એમ કહેવાય છે ને? એ ગાર્ગીએ કહ્યું હતું કે જગતમાં કોઈ પુરુષ નથી, અને એટલા માટે મારે સ્ત્રીને સહજ લજ્જા નથી. આજે હું મસ્તાની, આખા હિંદુસ્તાનની સામે શરત મારું છું કે હિંદુસ્તાનમાં જો કોઈ પુરુષ નથી, તો મસ્તાની નામની કોઈ સ્ત્રી નથી. હું સ્ત્રી છું, પણ પુરુષ પાસે. ચાંદબીબી પાસે બધાને પુરુષ થવાનો અધિકાર નથી. સ્ત્રી અને પુરુષના ભેદ એ સૌએ પોતપોતાના દોષ છુપાવવા કર્યા છે. જન્મથી સૌ ન સ્ત્રી, ન પુરુષ એવા છે. સ્ત્રી અથવા પુરુષ તો થવાનું છે. જીવનનું જે અંતિમ લક્ષ્ય છે તે સૌએ હાથેકરી સિદ્ધ થયેલું ધાર્યું છે.
‘આજે હું કહું છું કે અમારી સતારાની છાવણીમાં હું કોઈની સામે બુરખો ધરું એવો પુરુષ નથી. કોઈની રોશની એટલી તીવ્ર નથી: કોઈનામાં એટલી વીરત્વભરી છાપ નથી.