શિકાર કરવાનું મન થાય તેવો આ પ્રદેશ છે.
બાજીરાવ : સતારા તો પરમાત્માએ એક મહારાષ્ટ્રમાં જ કર્યું છે. એ જ પૃથ્વીપર આસ્માનનો સાચો સિતારો છે. આ જમીન સારી છે, ખેતર હરિયાળાં છે, ગોદાવરીનો તટ મનહર છે, પણ કોંકણના ઝરા અહીં નથી. અહીં સિંંહાદ્રિની ભવ્યતા નથી. અહીં રાયગઢ જેવા કિલ્લા નથી. સ્ત્રીઓ રાસડા શરૂ કરે તેવું આ સ્થળ છે, પુરુષો સમશેર ખેલે તેવું નહિ. દક્ષિણનું પુના—સતારા એ તો કુદરતની કારીગરીનો બેનમૂન બાગ છે ! કાશ્મીરના કેસરીની છટાવાળો મંદમંદ પવન એ તો ત્યાંનો સામાન્ય પવન છે ! ઓ, કિરતારે સતારા ન કર્યું હોત તો બાજીરાવ ક્યાં રહેત ? સિંહાદ્રિ વિના મરાઠા ક્યાંથી હાક પાડત ? રાયગઢ વિના શિવાજીનું પરાક્રમ દિલ્હીમાં કેમ ખળભળાટ પેદા કરત ? વીરભૂમિ તો મહારાષ્ટ્ર છે.
નિઝામ : વીરત્વની સાચી પિછાન તો અત્યારે પ્રપંચ રમાય તો થાય. નિઝામની વૃદ્ધાવસ્થા પોતે જ પવિત્ર નીતિશાસ્ત્ર છે. નિઝામ લડાઈમાં દુશ્મન છે તો લડાઈ પછી દાનો દોસ્ત છે, એ લોકમાં સામાન્ય બનતી કહેવત આડી આવે છે, નહિતર અત્યારે આ દુશ્મનોની સભામાં બાજીરાવ એકલો શું કરી શકે? સિંધિયા અને હોલ્કર અત્યારે શા કામમાં આવે ? મશ્કરી છે; પણ ધારો કે હું અત્યારે કપટ રમું તો?
બાજીરાવ : દિલ્હીના સમ્રાટની સભામાં પણ બાજીરાવ તો બાજીરાવ જ રહે. અત્યારે આટલું સૈન્ય છે, પરંતુ ખુદ સમ્રાટ્નું સૈન્ય હોય તો પણ બાજીરાવના મનમાં ક્ષોભ થાય