લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૧૪
મસ્તાની
 

(૩)

⁠મસ્તાની : ( એકાંતમાં સ્વગત ) તે દિવસની અસરથી હજી મસ્તાનીની રસતૃષા છીપી છીપાતી નથી. અરે ! બાજીરાવને જોઈને આટલો ભયંકર ફેરફાર ? હું મસ્તાની જ ન રહી !

⁠ગોદાવરીના તરંગો ! સુંદર ચંદ્ર ! હરિયાળાં ખેતરો ! આ બાજુ પર્વતમાલા ! ઓ, અનંત જીવનનો સંસ્કાર આજે જોશથી બહાર નીકળતો હોય, મસ્તાનીનું સમસ્ત જીવન નાશ થવાનું હોય, બાજીરાવના નેનમાં કાંઈ જાદુ હોય, ગમે તે હો, પરંતુ આ સારું યૌવન એની પાછળ કુરબાન છે! રે! વનવન રખડીશ, ખુલ્લા આકાશેઆકાશ પુકારીશ, સૈન્યેસૈન્ય શોધીશ, કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભમીશ, પરંતુ બાજીરાવ નહિ મળે ત્યાં સુધી આરામ નામ ન જાણીશ. ઓ પરવરદિગાર ! મારા હજારો જીવનના સંસ્કાર વ્યર્થ થાય છે, છો થાય. મારો આત્મા લૂંટાય, ભલે લૂંટાય. સમૃદ્ધિ જાય, નિઝામનો આશ્રય જાય: ભલે જાય. એક વખત નહિ, છો હજાર વખત જાય. કોઈ નવાબની પત્નીનું પદ જાય, ભલે જાય. અરે, નવાબનું સિંહાસન કે સમ્રાટ્‌નું મયૂરાસન એ તો લાકડાના કટકા છે! મસ્તાનીને તો બાજીરાવની પાછળ જિંદગી ગુમાવવી છે !

⁠ઓ, આસમાનની પવિત્ર રોશની ! ઓ અસંખ્ય દીવાઓ ! આ મસ્તાનીના દીવાનાપણાના તમે સાક્ષી રહેજો. બાજીરાવ માટે સમસ્ત જીવન કુરબાન છે ! એક નહિ તો હઝાર જિંદગી, પરંતુ બાજીરાવનો વીરત્વભર્યો હાથ આ સ્નિગ્ધ બાલ સાથે ન રમે ત્યાં સુધી એ બાલ ચંદ્રના