મસ્તાની : ઓ ! હું ? હું તો તારા પ્રેમની પ્યાસી ! હું મસ્તાની; નિઝામની આશ્રિતા છું. વીરત્વની છાપ તારા એક જ ચહેરામાં જોઈ એ ચહેરા પર આશક છું. તારી રોશનીમાં બળનાર પતંગિયું છું. તારા નયનમાં આત્માની જ્યોતિ જોનાર અભ્યાસી છું ! હું દર્દ છું, તું મારી ઔષધિ છે. હું કમળ છું, તું મારો સૂર્ય છે. અરે ! ચાતક કરતાં પણ વધારે પ્યાસી છું. હું તો બાજીરાવની મસ્તાની છું !
બાજીરાવ : અરે ! આ શું ? મસ્તાની ! તું તો ઘેલી છે? હું કોણ ? તું કોણ ? આ શું ? ઘેલી નહિં તો ?
મસ્તાની : ( પાસે જઈને ) ઘેલી નથી, મસ્તાની તો દીવાની છે. તમને જોતાં હજારો વર્ષનો પરિચિત સહવાસ લાગે છે. અરે ! તારી પાસે અંતરના બંધ તૂટે છે; રસાયન વહે છે; નસનસમાં આંતર તૃષાના શોષ પડે છે ! તારો અવાજ સાંભળતાં, જાણે તું મારા જીવનને બોલાવતો હોય તેવું લાગે છે ! તારું નયન અનંત સમયના અંધકારમાંથી ડોકિયું કહાડી આત્માને સાદ કરે છે ! હું શું કરું? (ખભાપર હાથ મૂકે છે) આ તારો સ્પર્શ અનેક નિદ્રાના પડમાંથી રસનો છલકતો પ્રવાહ વહેવરાવે છે! અરે ! તારા હાથ ન અડે ત્યાં સુધી આ આસમાની છાંટના બાલની સુરખી ઝાંખી લાગે છે ! તારો ચહેરો સુરેખ છે; એથી વધારે લાલિત્ય તારાં અંગપ્રત્યંગમાં છે. પણ લાલિત્યનો પ્રવાહ તો તારા આ ભેદી નયનમાંથી આવે છે! ( ફરી ખભા પર હાથ મૂકે છે ) બોલ, બોલ ! પ્રિયતમ ! મસ્તાનીના સૌન્દર્યને તારું જીવતું સૌન્દર્ય મળી શકે ?
બાજીરાવ : અરે... મસ્તાની ! કાં બ્રહ્માવર્તના રમ્ય