લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૫
શાપિત રાજલક્ષ્મી
 

⁠વળી પાછું ત્યાં પણ ધીમેથી બારણું ઠસાવીને ગોવિંદરામ મને ઉપલા મેડા પર લઈ ગયો.

⁠‘જુઓ આ.’ ગોવિંદરામે મારી સામે ચંદનની એક સુંદર ‘ફ્રેઈમ’ રજૂ કરી. તેમાં જૂના વખતની રજપૂત શૈલીનું સુંદર ચિત્ર શોભી રહ્યું હતું. એક બાઈ બેઠી હતી. આકાશમાં ચંદ્ર ખીલ્યો હતો. એક હાથમાં એક રત્ન હતું. બીજા હાથમાં પ્યાલું હતું. પ્યાલું હલાહલ ઝેરથી ભર્યું હશે એમ સહેજે અનુમાન થાય તેમ હતું. પણ એટલું છતાં તેનો ભાવાર્થ સ્પષ્ટ ન હતો.

⁠ગોવિંદરામ મારી પાસે આવ્યો. તેની આંખમાં વિચિત્ર પ્રકારનો નશો હતો.

⁠‘આ ! છબી તમે જોઈ ? શું સમજ્યા ?’

⁠‘પીંછી અદ્‌ભુત છે!’

⁠ગોવિંદરામે કપાળે હાથ દીધો. પાસેના કૉચ પર તે બેસી ગયો. ‘આ ‘ફ્રેઈમ’ આજથી બાર વર્ષ પહેલાં મારા હાથમાં આવી—પણ રહો, ખખડાટ શાનો થયો? સુબંધુ ક્યાં છે?’

⁠દાદરના પગથિયા ઉપર આવીને એક બિલાડી ઊભી હતી. ગોવિંદરામને એની હાજરી પણ ખૂંચી. તેણે તેને કાઢી મૂકી. પાછો કૉચ ઉપર આવીને બેઠો,

⁠‘તમે નવા જમાનાના માણસો શાપમાં માનતા નથી. પણ હું તમને આજે ખાતરી કરાવી આપીશ કે શાપ જેવી પણ કોઈ વસ્તુ હોઈ શકે. એ બને છે ક્યારેક—પણ એટલે તો, એ તદ્દન નથી જ એવી તમારી દલીલ, બળ વિનાની બની જાય છે. આ ચિત્રમાં શું છે એ તો મને પણ ખબર નથી. એક ભિખારી જેવા માણસ પાસેથી મને એ મળી