લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨૨
મસ્તાની
 

અસહ્ય તાપમાં તપતા શરીર પર એક વાદળી છાયા કરશે: તારા જંગલેજંગલ રખડતા જીવનમાં મસ્તાની શબ્દ ફૂંકશે; થાકેલી ભમતી આંખ સામે મૂર્તિ રૂપે તરશે. તારા અંગેઅંગ પર ચોંટેલું હૃદય પાછું વળે તે પહેલાં મસ્તાની પોતાના આત્માના સૂક્ષ્મ સ્વરૂપે તારી આસપાસ ફરતી હશે ! આ જીવનમાં નહિ તો હજાર જીવનમાં, પણ મસ્તાની હવે તો બાજીરાવ પાછળ દોડવાની શરતમાં ઊતરી છે !’

બાજીરાવ : ‘મસ્તાની ! આ દુરાગ્રહ શા માટે? બાજીરાવ એક સ્ત્રીથી જિતાયો એવું પાનું એના ઇતિહાસમાં ન શોભે ! હું માત્ર નિઝામને જીતનાર યોદ્ધો નથી; શાહૂ મહારાજની આજ્ઞા ઉઠાવનાર સામંત નથી; રાજદ્વારી ભેદનું પૃથ્થકરણ કરનાર શુષ્ક રાજદ્વારી પુરુષ નથી; હું તો મનને જીતનાર બ્રાહ્મણ પણ છું. મારું એ જ ખરું અભિમાન છે. હું અંતરના અવાજને માન આપનાર સેવક છું; મનનું પૃથક્કરણ કરનાર રસમય પંડિત છું ! તું મસ્તાની, રસથી પ્રેરિત હો, આત્માના અખંડ પ્રવાહથી ધકેલાતી હો, કે કોઈ રાજદ્વારી કુનેહ રૂપ હો, પણ બાજીરાવને કંચન કરતાં કામિનીનો વિવેક વધારે પ્રિય છે ! તારામાં શકુંતલા જેવું મનોરમ સ્વરૂપ છે; એ સ્વરૂપને હું પવિત્ર સમજું છું. પણ તારા એ પવિત્ર સ્વરૂપને સ્પર્શ નહિ કરું ! બાજીરાવના તંબુમાંથી સૌંદર્યપૂર્ણ પ્રતિમા અખંડ નિષ્કલંક કૌમાર્ય જાળવી બહાર નીકળે, એ ઇતિહાસ મને પોતાને જ શ્રદ્ધાપૂર્વક વાંચવાનું મન થાય તેવો છે! તારી દર્દમય ગઝલનો આ ઉત્તર છે; રસજીવનનો આ પ્રતિધ્વનિ છે; આત્માની કલાનો આ વિકાસ છે !