લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મસ્તાની
૧૨૩
 

⁠મસ્તાની : રે, સ્નેહના સૂક્ષ્મતત્ત્વના અભ્યાસી ! જ્યારે આત્મા સ્નેહના વાતાવરણના પ્રવાહમાં હોય છે ત્યારે રાજદ્વારી કુનેહ તારા અંતઃકરણમાં ઘડીભર પણ વાસ કરે છે ? મારા દર્દની ગઝલ તું ધારે છે તેટલી જ નથી. મારા જીવનનું તું એક જ કેન્દ્ર છે. તું ન હો—તું ન સ્વીકારે—પછી મારે કૌમાર્ય જેવું કાંઈ નથી. હું યવન છું, પણ તારા વીરત્વ માટે ભગવા ઝૂંડાને અટકની પાર રાખનારી ! તારા મનને જીતવાનો આ પ્રસંગ નથી. હૃદયને વૈભવ બુદ્ધિની બહાર છે ! હૃદયના વૈભવનું એક જ નિવાસસ્થાન આત્મા છે! રે પ્રિય ! મસ્તાની આત્માના બળથી ધકેલાતી આવી છે. તું જ મારું ચૈતન્ય છે, આત્માનો પ્રકાશ છે, રસ અને રસાયન છે. તું સારું શું નથી ? રસ્તે રસ્તે તારા માટે ફૂલ વેરું, તારા સારંગની રજેરજ પૂજું, અરે, તારા માટે શરીરના ટુકડેટુકડા કરી ફેંકી દઉં, પણ તને આ જિંદગીમાં –આવતી જિંદગીમાં–હજાર જિંદગીમાં—પણ એક વખત ચોક્કસ મળવાની ! હું મારા આત્માને શી રીતે છોડું? સંગીતમાંથી લાગણી શી રીતે દૂર થાય ? ફૂલમાંથી સુગંધ કેમ છૂટી પડે ? બાજીરાવ ! ઓ પ્રિય બાજીરાવ ! તું નહિ મળે તો તારી પ્રતિમા ઘડીશ, તું નહિ મળે તો નદીના કાંઠે રેતીરેતીમાં તારું નામ લખીશ, પણ તને હવે છોડું તે આત્મહત્યા છે ! તું જ મારું જીવન છે !

⁠બાજીરાવ : મસ્તાની, કોને ખબર છે તું ભૂલતી નહિ હોય ? બાજીરાવમાં શું છે?

⁠મસ્તાની : ‘બાજીરાવ મારા જીવનપ્રવાહનો અખૂટ ઝરો છે, મારા આત્માનું પ્રતિબિંબ છે, મારા સંગીતનો અસલ