લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨૪
મસ્તાની
 

અવાજ છે.

બાજીરાવ : આ સ્નેહનો પ્રશ્ન છે. એમાં ન્યાય ત્રીજા હાથથી જ શોભે. રાણોજી !

( રાણોજી હાજર થાય છે )

બાજીરાવ : આ ચાકરી શોધનાર યુવાન !

રાણોજી : [ ગંભીરતાથી ] સ્નેહનું આ કંઈ પ્રથમ જ તોફાન નથી !

મસ્તાની : રાણોજી સિંધિયા ન્યાય્ય કહેજો. આ સ્નેહનું પ્રથમ તોફાન નથી ! અને આ નિર્દોષ તોફાન આત્માનો વૈભવ નથી ? મહારાજ ! પ્રજામાંથી રસજીવનનો નાશ થશે ત્યારે યાદ રાખજો કે બાજીરાવ અને શિવાજી પણ સ્વપ્નાં થશે ! ન્યાય આપો ! મસ્તાનીનું આ કાર્ય એ પણ પેશ્વા ઇતિહાસનું એક જ્વલંત ચિહ્ન નથી ?

રાણોજી : પેશ્વાના વીરત્વ પાછળ સૌન્દર્ય હંમેશાં રખડ્યું છે ! સૌન્દર્યને સાચવનાર એ એક જ સ્થાન છે! પેશ્વા સરકારનો આ ઇતિહાસ નિષ્કલંક ગણાશે. મલ્હારરાવ !

( મલ્હારરાવ આવે છે)

રાણોજી : મલ્હારરાવ ! આ વીરત્વની પાછળ સૌન્દર્ય ભમે છે એ ઉત્તમ દૃશ્ય જો !

મલ્હારરાવ : વીરત્વ અને સૌન્દર્યનો વિરલ યોગ એટલે જ પ્રજાજીવનમાં નવા ચૈતન્યનો પ્રારંભ. આવા યોગનું ફલ પ્રજાજીવનનો ઇતિહાસ ઘડે છે. મહારાજ ! શ્રીમંત પેશ્વા સરકારના જીવનનું આ સ્મરણ વર્ષો પછી રસજીવનનો વૈભવ દર્શાવશે: આત્માની સુંદરતા પ્રકટ કરશે.

બાજીરાવ : ત્યારે તમને આ યોગ ખૂંચતો નથી ?