મુખ્ય દરવાજા પર બેસતો. અને એ બેસતો ત્યારે લોકો જાણતા કે લલિતપટ્ટન સહીસલામત છે.
પોતાના પ્રખ્યાત પ્રતિસ્પર્ધીને આવેલો જોઈ પ્રતાપમલ્લ જરાક દૂર ખસ્યો પરંતુ જ્યારે અલી જમાદારે તેની સામે જોયું અને કાંઈ આશ્ચર્ય ન દેખાડ્યું, ત્યારે પ્રતાપમલ્લ સમજ્યો કે, સાધુના વેશમાં પોતે સલામત છે.
પ્રતાપમલ્લ એક પ્રખ્યાત લૂંટારો હતો. કહેવાતું કે એની પાસે એછામાં એછા દસ લાખ રૂપિયા હતા ! પ્રતાપમલ્લ લૂંટારો હતો, છતાં સાધારણ સ્ત્રીને એની આંખ પર જેટલો પ્રેમ અને વિશ્વાસ જન્મતો તેટલો લલિતપટ્ટનના નરેશ પર પણ ન થતો. ત્યારેક તો લૂંટ પૂરી થયા પછી સ્ત્રી પોતાનાં પ્યારાં બચ્ચાં વાસ્તે એકાદ ઘરેણું પાછું પણ માગી લેતી; અને પ્રતાપમલ્લ ઉદાર દિલથી બધું પાછું આપી દેતો ! એના ચહેરા પર સૌંદર્ય ન હતું, પરંતુ અવયવોમાં ગુપ્ત રહેલી પવિત્રતાની છાપ હતી. એની નિર્મળ અને વિશાળ આંખમાં એક બે રાતા શેરડા સિવાય બીજું કોઈ ચિહ્ન ન હતું કે, જેથી માણસ એને લૂંટારો લેખે. એ આંખમાં ક્યારેક તો મધુર સ્નેહની પાછળ કરુણ રસ મળે એવું હૃદયંગમ કાવ્ય ચિતરાઈ રહેતું. અને ખરી રીતે તો એ લૂંટારો હતો જ ક્યારે ? પ્રતાપમલ્લ મૂળ તો લલિતપટ્ટન નરેશનો વફાદાર સરદાર હતો. પણ નરેશની આંખમાં જ્યારે વિકારની છાયા આવી, ત્યારે જીવનપર્યંત દૃઢ રહેલ સરદારે આ રસ્તો લીધો. ક્યારેક તે છૂપા વેશમાં આવી રીતે ગામમાં આવીને ચાલ્યો જતો. આજ પણ એ જ પ્રમાણે એ આવ્યો હતો, સાધુ થઈને.