સ્વર–ધૂન જાણે હજી રહી હતી. ડોસાના કરચલીયુક્ત ચહેરામાં આછું સ્મિત ફરકતું હતું. એની આંખ ઘડીભર પ્રતાપમલ્લ પર ઠરી. પણ એને અચાનક કાંઈક સાંભર્યું હોય તેમ તરત જ એણે દૃષ્ટિ પાછી ખેંચી લીધી. અલી જમાદારના મર્દાની સ્વભાવમાં આજે ઘેલછા આવી હતી, એ પણ ડોસાનું અનુકરણ કરવા લાગ્યો. હાથ પર આડો હાથ રાખી સારંગી બજાવવા લાગ્યો ને મોઢેથી બોલવા—એના પોતાના મનથી તો ગાવા લાગ્યો :
‘એ ઝિંદગીના નૂરથી, આ ઝિંદગીમાં નૂર છે.’
એ વળી પોતાની રીતે એને સમજી રહ્યો હતો.
જમાદારને પોતાનો એકનો એક જુવાન વીશ વર્ષનો છોકરો યાદ આવ્યો હતો. એ જ એની જિંદગીનું નૂર હતું. ગાન તો બંધ થયું હતું. પરંતુ એના જુદા જુદા ભાવ લોકોમાં જુદી જુદી અસર ઉપજાવી ગયા હતા. પ્રતાપમલ્લ પોતાના મનમાં બોલી રહ્યો હતો:
‘આરામ ઘડીભર પામવા, ક્યાં ક્યાં ચમન શોધી લઉં? ’
એને આજે અચાનક આરામ જોઈતો હતો.
તે પાછો જવા ફર્યો, એટલામાં ડોસાએ એને ઈશારત કરીને બોલાવ્યો. એટલી વારમાં જમાદાર ચાલ્યો ગયો હતો. આસપાસ બીજું કોઈ નથી એ જોઈ ડોસાએ પ્રતાપમલ્લને ધીમેથી કહ્યું: ‘હું તમને ઓળખું છું. મેં તમને ક્યાંક જોયા છે!’
પ્રતાપમલ્લ ચમક્યો: ‘કોને મને ? ભૂલતા તો નથી ને?’
‘મૃત્યુને કોઈ ભૂલે?’ ડોસો બોલ્યો.
પ્રતાપમલ્લ એકદમ સ્વસ્થ થઈ ગયો. અને શાંત રીતે બોલ્યો: ‘હું તમને પછી મળીશ. તમે ક્યાં ઊતર્યા છો?’