કરીશ. કારણ કે આ હાર તો આ શહેરમાંથી જ આવ્યો છે, એ મને ખબર છે.’
પ્રતાપમલ્લ પછી કાંઈ બોલ્યો નહિ. તે તરત ત્યાંથી ઊઠ્યો. પણ આજે એના પરિવર્તનની ક્ષણ હતી. તે ઘડીભર પોતાની મૂળ સ્થિતિમાં આવ્યો હતો. એટલે કે લૂંટારો જાણે તારણહાર થયો હતો. કેટલીક ગલી વટાવી તે એક ખંડિયેર જેવા મકાનમાં આવી પહોંચ્યો. આ પ્રતાપમલ્લનું તદ્દન ખાનગી સ્થાન હતું. બહારથી એવું ખંડિયેર દેખાતું હતું કે અંદર કોઈ હશે એમ કોઈને શંકા જ પડે નહિ. પ્રતાપમલ્લ અંદર ગયો, પાછો એણે વેષ બદલાવ્યો અને ત્યાર પછી ત્યાંથી રવાના થઈ ગયો.
લલિતપટ્ટનમાં ત્રણ દિવસ પછી બૂમ પડી કે પ્રતાપમલ્લ નજીકમાં છે. કેટલાકે ચલાવ્યું કે એ તો હમેશાં શહેરમાં આવે છે! અલી જમાદાર કમ્મર કસી તૈયાર થયો. પરંતુ શહેરમાં એક બીજી ન ધારેલી આફત પણ એ જ વખતે ઊતરી પડી. બે દિવસ થયા ન થયા, ત્યાં તો શહેરમાં ભયંકર કૉલેરા ફાટી નીકળ્યો. લોકો મૃત્યુના નામ આગળ પ્રતાપમલ્લને પણ ભૂલી ગયા. માણસો નિરાધાર થઈ પડ્યાં. માતા–પિતા અને સંતાન વચ્ચેનો નૈસર્ગિક સંબંધ તૂટ્યો, કૉલેરાએ એવું રૂપ પકડ્યું. આ સર્વ ગેરવ્યવસ્થામાં એક જ વિરલ પુરુષ મૃત્યુની દરકાર રાખ્યા વિના, મૃત્યુશય્યાપર તરફડતાં બચ્ચાંને માતા પાસે, પુત્રને પિતા પાસે અને નિરાધારને કોઈ આધાર પાસે લઈ જતો હતો. એને મૃત્યુનો ભય ન હતો. એ વિરલ પુરુષ તે પેલો પ્રતાપમલ્લ !