લલિતપટ્ટનના એક નિર્જન ખૂણામાં તદ્દન કંગલ હાલતમાં એક સ્ત્રી મૃત્યુશય્યા પર પડી હતી. આખું ઘર ‘ગરીબી, ગરીબી’ પોકારી ઊઠતું હતું. પ્રતાપમલ્લ એક દિવસ ત્યાંથી પસાર થતો હતો. એ પોતાના ગુપ્ત વેશમાં હતો, છતાં એને ઓળખાઈ જવાની ધાસ્તી ઘણી હતી, તેથી ઝપાટાબંધ જતો હતો. પ્રતાપમલ્લ ઘડીભર ત્યાં થોભ્યો. અંદરથી કરુણ સ્વર આવતો હતો. તે અંદર ગયો. એક સુંદરી મૃત્યુના મુખમાં હતી. પરંતુ મૃત્યુની છાયામાં પણ એની રમણીયતાની અદ્ભુત છટા પ્રસરી રહી હતી. પ્રતાપમલ્લે ત્યાં જ ઝંપલાવ્યું. તે તેની શય્યા પાસે બેસી ગયો. એટલામાં નજીકના ઘરમાં કોઈક મરી ગયું. ફિકર નહિ. તે અડગ રહ્યો. તેને જીવનમાં આજે વળી એક નવીન સાહસનો અનુભવ થયો. આ સાહસમાં શૌર્યને બદલે કરુણા હતી; લેવાને બદલે દેવાનું હતું. પાસેના એક બીજા ઘરમાં બીજું કોઈક પણ મરી ગયું ! તેનું એક પાંચ વર્ષનું નિરાધાર જેવું બાળક પ્રતાપમલ્લ પાસે આવી ચડ્યું. અચાનક તે દિવસે વૃદ્ધ પંડિતે ગાયેલી લીટી તેને કંઠે આવી, એનું હૃદય પીગળી ગયું:
‘આરામ ઘડીભર પામવા ક્યાં ક્યાં ચમન શોધી લઉં?’
તે દિવસે પોતે આરામ શોધતો હતો. ગાનની લીટી સુંદર અને હૃદયંગમ લાગી હતી. પણ—આજે એની પાછળનું આખું ચિત્ર ખડું થયું.
એણે પેલી સ્ત્રીને જરાક આરામ થાય એવી દવા ખવડાવીને પાછું શેરીમાં ભમવાનું શરૂ કર્યું. પણ હવે એને ઓળખાઈ જવાની ધાસ્તી પણ ગઈ હતી; પોતાના આરામની પણ