મનમાં ને મનમાં બોલી રહ્યો.
પણ એટલામાં તો અલી જમાદાર આવતો દેખાયો. એને કોઈક જાણભેદુએ વાત કરી હતી. પ્રતાપમલ્લને ભાગવાનો હવે સમય ન હતો. જમાદારના છોકરાનું ખૂન યમુનાને લીધે થયું એ પ્રતાપમલ્લે જાણ્યું હતું. એટલે હવે એને પણ છોડી મૂકવાનો વખત ન હતો. પ્રતાપમલ્લ આવા કાર્યો માટે જ બહારવટું ખેડતો. એટલે એણે પોતાના દીકરાને માર્યો છે એવી જમાદારની ચોક્કસ સમજણ હતી. અત્યારે એ વેર લેવા જ દોડ્યો આવતો હતો એ પ્રતાપમલ્લ સમજી ગયો. તે તૈયાર થઈ ગયો. બીજા કોઈ વિચારને અવકાશ પણ ન હતો.
અલી જમાદારને તો અકસ્માત શત્રુ મળી ગયો, અને યમુના પણ મળી ગઈ. કૉલેરાને લીધે ચારે તરફ મરણપોકના અવાજથી વાતાવરણ ભયંકર થઈ રહ્યું હતું. અલીએ જ પહેલ કરી. પ્રતાપે તરત જવાબ વાળ્યો. અલીએ ધા કરવા તલવાર ઉપાડી. પ્રતાપ બોલ્યો: ‘ અરે ! તું અને હું બન્ને શત્રુ નથી. ’
‘ ઓ કાફર ! હરામજાદા ! જબાન બંધ કર ! ’
હવે તો દલીલને અવકાશ જ ન રહ્યો.
અલી કૂદીને અંદર જ પડ્યો. પણ પ્રતાપે એક જ સપાટે તેને વધારે અંદર ધકેલી દીધો; અને યમુનાને નાના બાળકની પેઠે ઉપાડી લીધી. અલીની કળ વળે તે પહેલાં બહારવટિયો ઘર પર સાંકળ ચડાવી, જમાદારને જ કેદ કરી તત્કાલ રવાના થઈ ગયો !
ત્યાર પછી પ્રતાપમલ્લ દેખાયો જ નહિ. પંડિતે આ