આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલાબ વહુ !
હીંડોળાખાટ મંદમંદ ઝૂલી રહી હતી. એના ઉપર બેઠેલાં ગુલાબ વહુએ પાનની પેટી ઉઘાડીને એક સરસ પાન બનાવ્યું. રસિક કુશળતાથી એને ઘાટ આપીને મોંમાં મૂક્યું. એટલામાં એમને અચાનક કાંઈ સાંભરી આવ્યું હોય તેમ, એમણે ધીમેથી ઊઠીને નીચેની પરસાળમાં ડોકિયું કર્યું. એ ઉતાવળે પગલે તરત જ પાછાં હીંડાળાખાટે ફર્યાં. એક ઘડીભર અશાંત જેવાં ત્યાં બેઠાં રહ્યાં. પછી એમણે પણ કાંઈક તીવ્રતાભર્યા વેગથી બૂમ પાડી: ‘રેશમડી—એ રેશમડી !’
જવાબમાં ‘હો બા ! એ… આ આવી… બા !’ એમ બોલતીકને એક સોળ સત્તર વર્ષની, જરાક ભીને વાન પણ નમણી, રૂપભંડારી, જુવાન છોકરી, દાદરો ચડીને ડોકિયું કરતી દેખાણી.
‘શું કહ્યું, બા?’
‘શું કહ્યું બા ? ત્યાં ઊભાં ઊભાં રાણીસાહેબ બોલ્યાં: શું કહ્યું બા? આંહી આવને !’
રેશમડી ઓરડામાં આવી. ઓરડો આખો એના રૂપથી નવું રૂપ ધારી રહ્યો. હીંડોળાખાટને પણ જાણે મન થઈ