ત્યાં ત્યાં વિપત્તિ આવી છે. પણ એ રત્નમાં એક બીજો ગુણ છે. એને રાખનારો કોઈ દિવસ ભૂખે નહિ મરે. લક્ષ્મી તો એના ચરણમાં આવી રહેશે; પણ દુ:ખ અને શોક એ બન્ને એનાં ચિરંજીવ સંગાથી રહેશે. હું માંડ એનાથી છૂટ્યો!'
ત્યાર પછી એ રત્ન વિષે ઘણી ઘણી રીતે માહિતી મેળવવા મેં પ્રયત્ન કર્યો. પણ આટલી, આ ચિત્ર કહી શકે એના કરતાં વધારે માહિતી હજી તો મને મળી નથી !’
મેં ફરી ચિત્ર સામે જોયું. ખરેખર ચિત્ર અદ્ભુત હતું. મેં ગોવિંદરામને કહ્યું: ‘આમાં તો ચિત્રકારે સ્પષ્ટ સૂચન કર્યું છે. આ રત્ન નથી, પણ હલાહલ વિષપાન છે.’
‘આ રત્નને હું ફેંકી દઉં, પણ ફેંકી દેવાથી મારો અર્થ સરે તેમ નથી. એને કોઈને આપીને જ હું છૂટો થાઉં. ત્યાં સુધી આ ભયંકર શાપનો હું અકારણ ભોગ બની રહ્યો છું ! તમને ખબર નથી સાહેબ ! આ રત્ન મારી પાસે આવ્યા પછી લક્ષ્મી તો મારે ત્યાં ડગલે ને પગલે આવે છે ! એ છુપાવવા માટે તો હું પોતે ભુખડી બારશ જેવો રહું છું ને ! પણ આનો શાપ ! હું સુખી નથી, સાહેબ !’
ગોવિંદરામ બોલતો બંધ થયો. જૂની વસ્તુઓનો એનો શોખ અદ્ભુત હતો, પણ આજે એણે ચારે તરફ દૃષ્ટિ ફેરવી ત્યારે જાણે સ્મશાનમાં ભૂતાવળ જોતો હોય એવી રીતે પોતાના વાતાવરણથી પોતે ભડકી રહ્યો હોય તેમ લાગ્યું !
ધીમેથી ઊઠીને ગોવિંદરામની રજા લઈને હું તો ઘેર ગયો.
તે રાતે એક ભયંકર સ્વપ્નમાંથી હું જાગી ઊઠ્યો ત્યારે જાણે સ્વપ્ન નહિ, પણ સાચી પ્રતિમા જોતો હોઉં એટલી બધી તાજી છાપ મારા મન ઉપર પડી રહી હતી.