ગુલાબ વહુએ આગળ આવીને ગંગાજળ હાથમાં લઈ રેશમડીને પોતે પાળીને મોટી કરશે એવું વેણ આપ્યું અને વૃદ્ધાનો જીવ ગયો.
આજે હવે એ રેશમડી જુવાનીમાં આવી હતી. જરાક ભીને વાન હતી, જરાક જ; પરંતુ એની રૂપરંગે ભરેલી નમણી દેહમાં એટલો જરાક ભીની વાન તો વળી કાંઈ ઑર રમણીય શોભા આપી જતો હતો. એમ લાગે કે આટલો જરાક ભીનો વાન ન હોત તો જાણે એની અરધી સુંદરતા હરાઈ જાત ! આટલાં વર્ષો આ કુટુંબમાં કુટુંબના બાળક જેવી બનીને રહી હતી, એટલે રીતભાત, બોલીચાલી, પસંદગી નાપસંદગી, શોખ, મિજાજ, સ્વભાવ, સ્વચ્છતા, રહેણીકહેણી, તમામે તમામ બાબતમાં આ કુટુંબની પ્રણાલિકાનું જ જાણે સંતાન બની ગઈ હતી. કોઈ કહે નહિં કે આ ઠાકરડી છે, અને કોઈ જાણી પણ શકે નહિ કે આ બીજી કોમની હશે. કિશોરીલાલનો જુવાન છોકરો—જેને સૌ બાબુભાઈ કહેતા, તે હમણાં પરદેશથી ઘેર આવ્યો ત્યારે તો એ રેશમડીને જોઈને છક્ક થઈ ગયો ! પહેલાં તો એ માની જ શક્યો નહિ કે પાંચ સાત વર્ષ ઉપર એણે જોયેલી એ જ આ રેશમડી હતી !
રેશમડીએ કડાંને તો બોલતાં અટકાવ્યાં. પણ એની પોતાની જુવાનીને એ કાંઈ થોડી બોલતી બંધ કરી શકવાની હતી ? એની જુવાની મોહક કે આકર્ષક હોત તો તો કાંઈ બહુ વાંધો ન હતો; પણ એના શરીરની મૂળ જાતિ અને જન્મરચનાને અનુરૂપ એવી, એની પાસે તો બોલતી જુવાની