લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગુલાબ વહુ !
૧૪૩
 

હતી. ધમધમાટ વાતાવરણને, જાણે પેલી લોકગીતોની, લેરખાતી, પંક્તિઓ વડે, સભર ભરી દેતી હોય તેમ એ ચાલે ત્યાં જ વાતાવરણમાં નવી ભભક ખડી થઈ જાય ! કડાંને બોલતાં બંધ કરીને એ નીચે જવા પાછી ફરી ત્યાં જ ગુલાબ વહુએ એને બોલાવી: ‘રેશમડી !’

⁠‘જી ! બા !’

⁠‘બાબુભાઈ નીચે છે ?’

⁠‘હા બા; હાં; નીચે છે.’

⁠‘એને આંહીં ઉપર મોકલજે, પછી ખેમાજી આજ આવ્યા’તા?’

⁠‘ના, બા.’ અને રેશમડી નીચે દોડી ગઈ.

⁠‘હું આવ્યો ત્યારે તમે શું કહી રહ્યાં હતાં?’

⁠‘કોણ હું ?’

⁠‘તમે કાંઈક ‘એટલી ભોંયમાં છે’ એવું બોલી રહ્યાં હતાં !’

⁠‘હાં હાં, એ તો આ છોકરી આમ ગજબની છે. વરણ ફેર——એની છાપ ક્યાં જાય ?’

⁠‘કેમ ? કાંઈ ચોરી કરે છે? અને આ ખેમાજી કોણ છે ?’

⁠‘આ છોકરી ઠાકરડીના—હવે એની જુવાની આપણે ત્યાં ન જળવાય. એટલે મેં આ ખેમાજી શોધ્યો છે. એની જ નાતનો છે. ખેડ કરે છે. પાસે બે પૈસાનો જીવ છે. છોકરી એને ગમી છે. પણ આ છોકરીને તો અહીંથી ખસવું નથી ! એને કોઈ નજરમાં આવતો નથી !’

⁠‘હું પણ તમને એ જ કહી રહ્યો હતો. ભલે આપણે ત્યાં રહી !’