લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુલાબ વહુ !
૧૪૫
 

કહ્યું: ‘ ઓ તમારું શું થાશે ? આવી તદ્દન નાખી દેવા જેવી વાત કરતાં તમને શરમ નથી આવતી ? પંદર વરસ આપણે ત્યાં થયાં એટલે આપણી નાતની થઈ ગઈ એમ ? બાપ–દીકરા એ ય વેવારમાં કાંઈ સમજો છો કે નહિ ? ’

‘ પણ વાત તો તું સાંભળ— ’

‘ હવે સાંભળી એ તો. મારે નથી સાંભળવી. તમારે નાક નહિ હોય. મારે નાતમાં કરવું છે—તમારે તો મોટામાં જઈને વાતો કરવા બેસવું છે ! ’

‘ પણ આપણે ત્યાં ત્રણ વરસની હતી ત્યાંથી રહી છે તેનું શું? ’

‘ એટલે શું થઈ ગયું ? નાનું છોકરું જાણીને આપણે રાખ્યું. પણ એથી કાંઈ જાત બદલાઈ જાય ? એની મા બિચારી આજે હોય તો ઓછી ઓછી થઈ જાત. કોઈ કહી શકે એમ છે કે આ ઠાકરડાની છોકરી છે? ’

‘ એટલે જ તમને હું કહું છું. આચારવિચાર, રહેણી-કરણી, બોલી, રીતભાત, તમામે તમામ એણે આપણાં પકડી લીધાં છે. જાણે કેમ બ્રાહ્મણ-વાણિયામાં જ જન્મી હોય ! અને બાબુભાઈને એ મેળમાં પણ લાગે છે! તો એને આંહીં રાખવામાં વાંધો શું ? ’

‘ તમે બાપ દીકરા—બન્ને ગાંડા તો નથી થઈ ગયા ના? ખેમાજી હમણાં નથી ફરકતો, તો બીજો એક છોકરો પણ મારી નજરમાં છે ! ’

‘ કોણ ? ’

‘ ભીખુજીનો લખમણજી ! ’

‘ લખમણજી ? ’