લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૫૦
ગુલાબ વહુ !
 

⁠‘પણ નાતની—ભાઈ ! નાતની ક્યાં છે?’

⁠‘નાતની—નાતની—નાતની કેમ નહિ કાકી ? આ પંદર વરસ પહેલાં એના વડવા ઇંદોર જઈને રહ્યા. એટલે નાત મટી ગઈ ? એ તો વેપારીના દીકરા સાત સાગર પાર જાય એમાં કાંઈ નહિ. ભણીગણી કાંઈ નથી—પણ સોનાની વીંટી જોઈ લ્યો! મૂડી કાંઈ નથી, પણ પ્રતિષ્ઠા એની ! બીજા બધા તો એની પાસે આજકાલના ઊગતા !’

⁠આ ખુશાલચંદે, છેવટે, સોનાની વીંટી સાથે, બાબુભાઈ માણેકનું, નંગ જડી આપ્યું. અને ગુલાબવહુ પણ આખી નાતને જાણે ‘ચેલેન્જ’ આપતાં હોય તેમ, નવી વહુ સાથે મોટી હવેલીએ જ્યારે દર્શન કરવા ગયાં ત્યારે તો નાત આખીનાં બૈરાં નાક ચડાવીને જોઈ જ રહ્યાં !

⁠નવી વહુ તો જાણે રૂપરૂપનો ભંડાર હતી. વાતે રૂપે રંગે—આખી નાતમાં નોખી ભાત પાડતી. વહુને જોઈને ગુલાબવહુએ તો દિવસે દર્શનેથી આવીને બીજી વખત કંસારનું આંધણ મૂકાવ્યું. ત્રણ મહિનામાં આ તેત્રીસમી વખતનો કંસાર રંધાતો હતો.

⁠પણ એ આંધણ હજી પૂરું ઉકળ્યું ન ઉકળ્યું ત્યાં બહારથી કોઈનો પગરવ સંભળાયો: ગુલાબવહુ તો જોઈ જ રહ્યાં. એમને આંગણે આવું લશ્કર આવી ચડવાનો આ પહેલો જ પ્રસંગ હતો. પોતે કોઈથી ગભરાય તેવાં ન હતાં છતાં ક્ષોભ પામ્યાં. સૌથી આગળ એક પોલીસ જમાદાર ઊભો હતો તેની સાથે બે ત્રણ સિપાઈ હતા, એમાં ગુલાબે ખુશાલને જોયો. તેણે ખુશાલને ઈશારત કરી, પણ જમાદારે તરત જ પૂછ્યું: ‘બાબુભાઈ કોણ ? ક્યાં છે એ ?’