અત્યંત પ્રતિભાશાળી—પ્રતાપી અને તેજસ્વી એક સ્ત્રી મારી સામે ઊભી હતી. તેના કેશ છૂટા હતા. હાથમાં ખડ્ગ હતું. આંખો ઝગારા મારી રહી હતી. અણિશુદ્ધ નાક નાગની ફણાની માફક અભિમાન ભરેલું ઝેર સાચવી રહ્યું હતું. ખડ્ગથી પણ વધારે કાતિલ ઘા તો એ નજરમાં ભર્યા હતા. ‘તું શાપિત રાજલક્ષ્મીમાં નથી માનતો કાં? પણ યુગે યુગે લક્ષ્મી શાપિત બને છે, ત્યારે રુધિરભીનાં રત્નો માનવવંશને વારસામાં મળે છે. એમાં તને વહેમ, દંભ કે જુનવાણી પ્રથા જેવું શું લાગે છે? આજે તારા સમયમાં પણ શોણિતની ધારા વહી રહી છે: લક્ષ્મી માટે, જમીન માટે, જીવન માટે. એ ધારામાંથી હજારો રત્નો, જેને મેળવવા માણસો માણસોને કાપે છે તેવાં, ન ધણિયાતાં, નકામાં અને ન જોયેલાં, વેડફાઈ જાય છે. એમાંનું હરેક રત્ન શાપિત છે. જે જે વસ્તુ મનુષ્ય અન્યાયથી મેળવીને લોભથી સાચવે છે તે શાપિત બની જ જાય છે. તે એના સાચવનારને હણે છે. રાખનારને મારે છે.’
સવારે હું ઊઠ્યો ત્યારે સુબંધુ મારી પાસે દોડતો જ આવ્યો: ‘જુઓ, જુઓ. આ શું છે?’ એણે મુઠ્ઠી ઉઘાડી. એના હાથમાં પેલું શાપિત રત્ન ઝગારા મારી રહ્યું હતું —જાણે લોહીભીની આંખે એ મારી સામે જોઈ રહ્યું હોય !
‘અરે, અરે, આ તે ક્યાંથી કાઢ્યું ? — કોણે આપ્યું?’
‘મને ગોવિંદરામ કાકાએ આપ્યું!’
‘હેં!’
મારું ચાલત તો હું ગોવિંદરામની ડોક મરડી નાખત. પણ નજર કરી તો ગોવિંદરામની દુકાન બંધ હતી.