ગયો હતો એ એનો જૂનો દોસ્ત. માંદગીમાંથી પાછો આવ્યો હતો. એટલે એ નાચતા નાચતા જ બોલ્યો:
‘ગાંડો ગણશે એમ નાં ?’
‘માડી ! પણ બધું ય હદમાં સારું લાગે !’
‘અમે ગાંડાં રે ! અમે ગાંડાં રે... ?’ ટાયલાં બોલવા લાગ્યો. મજૂરમંડળ ધીમે ધીમે દૂર-દૂર ચાલ્યું ગયું. પણ રાધવના છેલ્લા શબ્દોએ પેલા ગરીબ નવલકથાકારના ચહેરા પર હાસ્યની છાની રેખા પ્રગટાવી દીધી. દૂર કોયલ બોલી.
સીમમાં—જંગલમાં ચારે તરફ ધીમે ધીમે શાંતિ જામવા માંડી. તે તરત જ ઊભો થયો. બે હાથે તાલી પાડી. એનું વિચારજીવન બદલાયું હોય તેમ લાગ્યું. તે એકદમ મોટેથી બોલ્યો: ‘મારે આજથી નવું પર્વ !...’ શાનું પર્વ હતું એની એને એકને જ જાણ હતી. અત્યારે તો એ ઝપાટાબંધ શહેર ભણી ચાલવા માંડ્યો.
ગરીબ નવલકથાકાર !
જેને મન બેદરકારી ખાનદાની હોય, તેવા મનુષ્ય દિવસનાં કામ કલાકોમાં કરે છે. બેદરકારી જેનો સ્વભાવ હોય તેવાં મનુષ્ય કોઈ એક કામ ઉપર ટકી શકતાં નથી. અમરનાથ એવો પ્રથમ વર્ગનો બેદરકાર ખાનદાન હતો. એને કોઈની દરકાર ન હતી. પોતાના તાનમાં પોતે મસ્ત હતો. એકલો હતો. એકલો રહેતો.
થોડો વખત માયાળુ મિત્રો મળેલા, પણ અમરનાથ રહ્યો ગામડાનો. ગેરસમજના ઢગ નીચે એમની માયા