'બીજું તો ઠીક, એમાં 'પ્લોટ' પણ નથી, પાત્રાલેખન નથી, એકલા વેગભર્યા વિચાર છે. પણ વેગભર્યા વિચાર તો એના કરતાં આફ્રિકાના સિંહને વધારે આવતા હશે. વેગભર્યા કે વેગહીન કે ગમે તેવા એકલા વિચાર એ સાહિત્યકૃતિ નથી.'
'લ્યો સાહેબ!' એમની વાતથી અલિપ્ત પાનવાળો ઓલ્યો: 'આપને તમાકુ નાખું કે?'
'જોયું, કેટલાંક નવાં દૃષ્ટિબિંદુ મળે છે, અમરનાથ!'
રંગનાથે ધીમેથી અમરનાથના કાનમાં કહ્યું. અમરનાથ જાણે ઊંઘમાંથી જાગ્યો: પણ તેણે કાંઈક વિષાદભરેલા સ્મિતથી કહ્યું: 'રંગનાથ! જે જાણે છે એ જાણે છે કે દરેકની દુનિયા પણ એટલી જ વિશાળ છે!'
'અહમ્-હજી-અહમ્' રંગનાથ મનમાં બોલ્યો. પણ તે રાત્રિથી અમરનાથની લોકપ્રિય નહિ બનવાની ચિંતા ઊડી ગઈ.
એવો જ એક બીજો દિવસ.
પોતાના ગરીબ સાંકડા મકાનમાં અમરનાથ બેઠો છે. એના માયાળુ મિત્રો હવે તો એનાથી કંટાળ્યા છે. મિત્ર તરીકે અમરનાથ બહુ લાયક માણસ હતો જ નહિ. અને એના આવા દોષને તો એની મા વિના બીજાં કોણ ચાહે? દોષ તો કોનામાં નથી, પણ અમરનાથ ઘણો વધારે ઉતાવળો હતો. વધારે નિયમિત રહેવા માંગતો, વધારે વ્યવસ્થિત થવા મથતો, વધારે ઉત્સાહ દર્શાવતો. પણ આ સધળાંના સંબંધ એના આંતરજીવન સાથે હતા. એમાં બહારનો ઓછામાં