લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારા પોતાને માટે
૧૬૫
 

[ પ ]

⁠’ઠીક લખતો. બહુ ખરાખ નહિ, પણ ગંભીર વિચાર ને મિથ્યા વેગ.‘

⁠’ક્યારેક સાચે, સચ્ચાઈનાં આંસુ પાડ્યાં છે!‘

⁠’ક્યારેક શુદ્ધ શ્રદ્ધામાં લખ્યું છે!‘

⁠’ભવિષ્યવાદી હતો, અસંતોષી હતો, કંઈક અભિમાની પણ હતો!‘

⁠’છતાં ત્યાં જીવન ન હતું, જે હતું તે જીવનનું જોમ હતું!‘

⁠અમરનાથે એકાંતવાસ સ્વીકાર્યો પછી ટીકાકારોનાં આ વાગ્બાણ હતાં.

⁠એ કંઈ સાંભળતો ન હોય તેમ, અમરનાથ એકાંતમાં જે અને તે કર્યા કરતો. પછી એક દિવસ એણે પોતાનો એવો સર્વસંગ્રહ એક જૂના દેવમંદિરના ભૂગર્ભમાં મૂક્યો, પ્રણામ કર્યા; ને ત્યાંથી પાછો ફર્યો.

⁠બીજે દિવસે એ પોતાના જીવન પર વિચાર કરતો હતો.

⁠તે દિવસે કોયલને બોલતી જોઈ ને તે જરાક હસ્યો હતો. તે પળથી એનું ’નવું પર્વ‘ હતું: ’કોયલ જેમ પોતાના તાનમાં પોતે મસ્ત છે, તેમ પોતાના તાનમાં મસ્ત રહેવું એ પણ એક કલા નહિ હોય?‘ પછી જ એણે વિચાર્યું કે તો તો મનુષ્ય માટે કે મનુષ્યના ડરથી, પ્રલોભનથી કે પવન સાથે રહેવું, ઈશ્વરદત્ત પ્રસાદ કેમ ભૂંસી નખાય? તેમ જ મનુષ્યની બેદરકારી કરતાં ઈશ્વરની મહેરબાની મોટી છે એ પણ કેમ તજાય? આ કોયલના ટહુકાર કોણે સાંભળ્યો?