આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જન્મપત્રિકા
ઈસ્વીસન અઢારસો સત્તાવનનો રોમરોમ અગ્નિ પ્રગટાવે એ વખત હતો.
એ વખતે જમીનદારો, રાજાઓ, ઠાકોરો, સિપાઈઓ અને ધંધાદારીઓ, લશ્કરીઓ ને બિનલશ્કરી, નાનાં ને મોટાં, બળવાન ને નબળા, જુવાન ને ઘરડા, સ્ત્રીઓ ને પુરુષો, જાણે કે સહુ કોઈ એક અદૃશ્ય સત્તાથી દોરાતાં હોય તેમ, દીવાનાની માફક ઘૂમી રહ્યાં હતાં. સૌના દિલમાં જાણે એક જ તમન્ના જાગી હતી. સૌ એક જ વાત કરી રહ્યાં હતાં: આપણો ધર્મ ભયમાં છે. હિંદુ અને મુસલમાનો તમામનો ધર્મ ભયમાં છે.
ધર્મ શબ્દમાં એવો જાદુ છે કે એ માણસને માણસ પણ બનાવે ને મૂરખ પણ બનાવે.
હિંદમાં ઠેકાણે ઠેકાણેથી માણસોનાં જૂથનાં જૂથ, નાનાસાહેબ ને લક્ષ્મીબાઈને નામે, દિલ્હીના બાદશાહ બહાદુરશાહ ને લખનૌના નવાબને નામે, કુંવરસિંહ ને રાવસાહેબને નામે, રાજા માનસિંહ અને હનુમાનસિંહને નામે, ભેળાં થઈ રહ્યાં હતાં. એ અપ્રતિમ શૌર્યથી લડતાં અને ભયંકર