એવો સમો પણ આવે છે જ્યારે જિંદગી ગુમાવવાથી જે માન મળે છે, તે જિંદગી સાચવવાથી મળતી નથી.’ કિતાબો વેચી ખાનારાએ આ કહ્યું હતું; હું રાજા—એના કરતાં પણ હલકો? હું મારી જાતને બચાવવા માટે ભરોસો તોડું? અરે! આપ્પા! પછી મને જીવનમાં મજા પણ શી રહેશે?’
‘પણ રાજાસાહેબ! તો તો ગુનાને ઉત્તેજન મળે; અવ્યવસ્થા ઘર કરી જાય; ને આવી બંડખોરવૃત્તિથી સહીસલામતી ખાડે પડે.’
‘એ બધું સાચું, આપ્પા! હું આમાં ભળ્યો એ મારી મૂર્ખાઈ હતી એ ખરું; હવે હું બીજાનો ભોગ લઈ ને મારી જાતને બચાવું તો એ નરી દુષ્ટતા થાશે. મૂર્ખાઈની તો ઈશ્વર માફી બક્ષે છે. દુષ્ટતાની તો ક્યાંય માફી નથી. ખુદાને ત્યાં પણ એવી દુષ્ટતાથી ઈશ્વર મને બચાવે. જિંદગી ભલે ન બચાવે. મારા વડવાઓએ પણ એક વખત તો શિવાજી મહારાજની પડખે રહીને લડ્યા હતા.’
‘તો પછી તમને જન્મકેદ મળશે કે વખતે કાળેપાણીએ કાઢશે.’
‘મને એવી શિક્ષા નહિ થાય; વિશ્વાસ રાખો આપ્પા!’
‘ન્યાય પ્રમાણે તો એ શિક્ષા જ મળે...’
‘તો મારી પલટણનો હલકામાં હલકો સિપાઈ પણ જે સહન ન કરે તે શું હું સહન કરીશ? હું એ શી રીતે સહન કરીશ? હું પણ સૌની પેઠે મોતને ભેટવા આતુર છું.’
‘તમને મોતની સજા થાય તો—’